દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુની દૂરંદેશી

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુની દૂરંદેશી
ભુજ, તા. 3 : દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ અને સંપ્રદાયના 53મા દાઇ સૈયદના મુફદલ સૈફુદ્દીન સાહેબની રાહબરી અને આદેશ અન્વયે સમગ્ર ભારતમાં અને વિશ્વભરમાં તા. 22 માર્ચના જનતા કફર્યુ બાદથી તુરંત ભારતભરની વ્હોરા સમાજની દરગાહો, મુસાફરખાના પ્રવાસીઓ માટે તુરંત બંધ કરી દેવાયા હતા. આ આગોતરું પગલું સમાજની દૂરંદેશીનો ખ્યાલ આપે છે. ભારત સરકારના 21 દિવસના લોકડાઉનના એલાન પહેલાં જ દાઉદી વ્હોરા સમાજે મસ્જિદોમાં જાહેર નમાજ બંધ કરી દીધી. સમાજ દ્વારા ચલાવાતી `ફૈઝે મવાઇદે બુરહાનીયાહ' ઘરઘર ટિફિન સેવાઓ પણ તુરંત બંધ કરવામાં આવી હતી. પોતાના દેશ અને સમાજને કોરોનાની મહામારી સામે લડવા ખૂબ જ ઓછી વસતી ધરાવતા દાઉદી વ્હોરા સમાજની આ વિવિધ પહેલો અન્ય સૌ માટે રાહ ચીંધે તેવી છે. સૈયદનાસાહેબે કોરોના જંગમાં મદદરૂપ થવા મોટી રકમનું દાન વડાપ્રધાન રાહત ફંડમાં આપ્યું છે. સૈયદનાસાહેબના આદેશોને  ફરજિયાતપણે માની તેમના આદર માટે તત્પર આ નાનો સમાજ મહદ્અંશે વેપારી સમાજ છે. શાંત પ્રકૃતિ અને વિવાદો અને અપરાધથી દૂર રહી સર્વધર્મ સમભાવની  ભાવનાને વરેલો આ સમાજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પણ પ્રિય હોઇ તેઓ તેમના સામાજિક મેળાવડામાં  ઉપસ્થિત રહે છે તથા વડાપ્રધાનના દેશ-વિદેશના જાહેર કાર્યક્રમોમાં વ્હોરા સમાજને હાજર રાખે છે. સૈયદનાસાહેબના જાહેર કાર્યક્રમો વખતે વ્યવસ્થા જાળવવા કાર્યશીલ `બુરહાની ગાર્ડસ' ભારતના વિવિધ મોટા શહેરોમાં વ્યાપ્ત છે. હાલના  કોરોના જંગમાં બુરહાની ગાર્ડસ દ્વારા લોકડાઉનના અસરકારક અમલ માટે જે-તે શહેરોમાં  વ્હોરા પરિવારોને જીવનજરૂરી વસ્તુઓ, દવાઓ વગેરે ઘેર-ઘેર જઇ પહોંચતી કરે છે.  ઉપરાંત બુરહાની ગાર્ડસ તથા અન્ય વ્હોરા યુવાઓ દ્વારા જરૂરતમંદ ગરીબ-પરિવારોને રાશનકિટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. સૈયદનાસાહેબ દ્વારા હેડ ઓફિસ મુંબઇથી દરેક ગામના સૌ પરિવારોને  ફોન કરી સરકારના લોકડાઉનના ફરમાનને અનુસરવા ખાસ સૂચના અપાઇ તથા સૌ પરિવારના મોભીને તેઓના  ઘરોમાં અનાજ-રાશન કે અન્ય વસ્તુ પૂરતી છે કે નહીં તેની પૃચ્છા કરાઇ હતી. સમાજના વિધવા-વિધુર લોકો અને ગરીબ પરિવારોને ટિફિનસેવા બંધ હોતાં રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષિત અને શાંત સમાજને બદનામ કરતો એક વીડિયો તાજેતરના સંજોગોનો ગેરલાભ લઇને કોઇએ વાયરલ  કરતાં આ સમાજે શાંત રહીને એક સાફ  સંદેશ  પણ  આપી  દીધો કે, અમારા ધૈર્ય અને રાષ્ટ્રપ્રેમને સોશિયલ મીડિયા અસર કરશે નહીં. જો કે જાગૃતોએ જ આ વીડિયો ચાર વર્ષ જૂનો  અને અન્ન ન બગાડવાનો શુભ સંદેશ આપતો  હોવાની સ્પષ્ટતા સાથે અન્ય વીડિયો વાયરલ કરીને સમાજની શાનમાં વધારો  કર્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer