લોકડાઉન વચ્ચે જીવલેણ અકસ્માત : મથડાના બાઈકચાલકે જીવ ગુમાવ્યો

લોકડાઉન વચ્ચે જીવલેણ અકસ્માત : મથડાના બાઈકચાલકે જીવ ગુમાવ્યો
મોટા ભાડિયા (તા. માંડવી), તા. 3 : માંડવી શહેરની ભાગોળે દુર્ગાપુર (નવાવાસ) જી.આઈ.ડી.સી. ચાર રસ્તા પાસે આજે બપોરે કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈકચાલકે જીવ ગુમાવ્યો હતો. પોલીસ સાધનો પાસેથી મળતી માહિતી મુજબ બપોરના બે વાગ્યાની આસપાસના સમયગાળા દરમ્યાન ગઢશીશાથી બાઈક નં. જી.જે. 12 ઈ.એ. 9007 પર સવાર થઈ માંડવી તરફ આવી રહેલા અંજાર તાલુકાના મથડા ગામના રહીશ નરેશ વેરશી મહેશ્વરી (ધુઆ) ઉ.વ. 33 ચાર રસ્તા નજીક આવેલા પુલ પાસે પહોંચ્યા ત્યારે દુર્ગાપુરથી માંડવી તરફ આવી રહેલી બ્રેઝા કાર નંબર જી.જે. 12 ડી.એસ. 7142 સાથે ધડાકાભેર અથડાતાં બાઈક ફંગોળાઈને એક સાઈડ અને કાર પણ રોડની નીચે ઊતરી પુલને ક્રોસ કરી ગઈ હતી. કાર દુર્ગાપુરના અનીશઅલી અબ્દુલ્લા રાઠોડની હોવાનું પોલીસે ઉમેર્યું હતું. બાઈકચાલક કાર સાથે અથડાયા બાદ ટક્કર એટલી જોરદાર હતી કે તે પાંચથી છ ફૂટ દૂર પુલની દીવાલ સાથે અથડાતાં માથામાં ગંભીર પ્રકારની ઈજા થઈ હતી. અકસ્માત થતાં જ કારના ચાલક અનીશઅલીભાઈએ 108ને ફોન કરી તાત્કાલિક સ્થળ પર બોલાવી હતી. ભોગગ્રસ્તને સિવિલ હોસ્પિટલ માંડવીમાં થોડી સારવાર નસીબ થઈ પણ માથામાં ગંભીર પ્રકારની ઈજા થવાના કારણે વધુ સારવાર કારગત ન નીવડતા તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. સ્થાનિકે સિવિલ હોસ્પિટલમાં ભોગગ્રસ્ત પરિવારની પડખે સેવામાં માંડવી મહેશ્વરી સમાજના પ્રમુખ દીપકભાઈ, નરેન્દ્રભાઈ ફુફલ, ટ્રસ્ટી પચાણ જુમાભાઈ મહેશ્વરી, નગર સેવક નરેન રવિલાલ સોની સહિતનાઓ જોડાયા હતા. વધુ તપાસ પી.એસ.આઈ. માવજીભાઈ મહેશ્વરી ચલાવી રહ્યા હોવાનું સાધનોએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer