નખત્રાણામાં પેટ્રોલિંગ વચ્ચે પોલીસ જવાનો ઉપર ટોળાં દ્વારા હુમલો

નખત્રાણા, તા. 3 : લોકડાઉનની અમલવારી માટેની કાર્યવાહી દરમ્યાન આ નગર ખાતે ફરજ ઉપરના ટ્રાફિક બ્રિગેડના જવાનોની પોલીસપાર્ટી ઉપર હુમલો કરાતાં ભારે સનસનાટી મચી ગઇ છે. આ બાબતે રાત્રિ સુધીમાં બારેક ઇસમને હિરાસતમાં લેવાયા છે.જાણવા મળેલી પ્રાથમિક માહિતી અનુસાર નખત્રાણામાં ભુજ-લખપત ધોરીમાર્ગ ઉપર કન્યાશાળા સામે આવેલી ગલીમાં એક ફળિયા ખાતે પોલીસ ઉપરના હુમલાની આ ઘટના બની હતી. આ લખાય છે ત્યારે રાત્રિના સાડા દશ વાગ્યાના સુમારે જવાબદારો સામે ફરિયાદ દાખલ કરવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે, જેના કારણે સત્તાવાર રીતે હજુ કોઇ વિગતો જાહેર કરાઇ નથી. લોકડાઉન માટેના બંદોબસ્ત તળે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટુકડી જ્યારે આ ફળિયામાં પંહોચી ત્યારે લોકોના ટોળાં જોવા મળતા તેમને વિખેરવા માટેની કાયદાકીય કાર્યવાહી દરમ્યાન પોલીસ પાર્ટી ઉપર આ હુમલો કરાયો હતો. ટોળાંમાં સામેલ લોકોએ પથ્થરમારા સહિતની હરકતોને અંજામ આપ્યો હતો, જેના કારણે બાઇક જેવા વાહનોને નુકસાન થયાના અહેવાલો પણ મળી રહ્યા છે. અલબત્ત પથ્થરમારાની કોઈ ઘટના બની ન હોવાનું પોલીસે પ્રાથમિક તબક્કે જણાવ્યું હતું. આ વચ્ચે મોડેથી નખત્રાણા પોલીસે આપેલી પ્રાથમિક માહિતીમાં પોલીસ ઉપરના હુમલાને સમર્થન અપાયું હતું અને જણાવાયું હતું કે, વધુ સંખ્યામાં એકત્ર થયેલા ટોળાંમાં સામેલ લોકોને વિખેરવા દરમ્યાન આ ઘટના બની હતી, જેમાં ટોળાંમાં સામેલ ઈસમોએ પોલીસ સ્ટાફ ઉપર હુમલો કર્યો હતો. એક પોલીસ જવાનની બાઈકમાં નુકસાન થયાને પણ સમર્થન અપાયું હતું. બનાવ બાબતે ફરજમાં રૂકાવટ, જાહેરનામાનો ભંગ અને મહાવ્યથા સહિતની કલમો તળે ગુનો નોંધવામાં આવી રહ્યો હોવાની વિગતો અપાઈ હતી. રાત્રિના 11 વાગ્યા સુધી વીસેક જણને રાઉન્ડઅપ કરી હિરાસતમાં લેવાયા છે. બનાવની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સ્થાનિકે ધસી આવ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer