કચ્છને સલામત રાખવા હમણાં આવશો નહીં

ભુજ, તા. 3 : કચ્છમાં કોરોનાગ્રસ્ત દર્દીની હાલત સુધરી રહી છે અને નવો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી તેવા ઊજળા અને આશાસ્પદ સંજોગોમાં હાલે યેનકેન પ્રકારે જિલ્લા બહારથી આવનારા મોટું જોખમ સર્જી રહ્યા હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. આ ઓછું હોય તેમ લોકડાઉન બાદ વિમાન અને રેલવે વ્યવહાર પૂર્વવત્ થાય તો મુંબઈ અને દિલ્હીથી અસંખ્ય લોકો આવી પડે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. આવામાં લોકડાઉન પછી પણ લોકો કચ્છ ભણી આવે નહીં એવી લાગણી પ્રબળ બની રહી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે અપીલ કરતાં જણાવ્યું છે કે,`જ્યાં છો ત્યાં રહો-ઘરમાં જ સલામત રહેશો.' તેવા સરકારના સતત સૂચન છતાં મુંબઈ સહિતના સ્થળેથી કચ્છમાં લોકો આવી રહ્યા છે તેમને રૂક જાવનું સૂચન કર્યું હતું. ડો. કન્નરે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં ભલે કચ્છ કરતાં કોરોનાની પરિસ્થિતિ સંકટ જેવી લાગતી હોય તો પણ ઘરમાં રહેવાથી જોખમથી બચી શકશો. મુંબઈની આરોગ્યસેવાની સામે કચ્છમાં તબીબીસેવામાં તફાવત હોય તે સમજી શકશો. ડો. કન્નરે મુંબઈથી કચ્છની રેલવેસેવા શરૂ કરવાની વાતને હિતકર ન હોવાનું જણાવતાં સૌની સલામતી જે જ્યાં છે ત્યાં સ્વસ્થ રહે તેમાં જ છે. કચ્છમાં લોકડાઉનને પગલે સીમા ક્ષેત્રો, વિમાની મથક, રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો એ ઉપરાંત ખાનગી વાહનોમાં આવનારા તમામનું ક્રીનિંગ કરાતું રહ્યું તેના આંકડા જોતાં, કચ્છમાં 34,954 વ્યક્તિ આ ગંભીર સ્થિતિમાં કચ્છમાં આવી ગઈ છે.હવે જો કે કચ્છમાં બહારથી આવનારાના પ્રમાણ ઉપર પ્રમાણમાં રોક લાગી છે. આમ છતાં ખાનગી વાહનોથી રોજેરોજ લોકો કચ્છમાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પડાતી યાદીમાં છેલ્લા 24 કલાકમાં 784 વ્યક્તિનું ક્રીનિંગ કરાયાનું જણાવાયું છે.કચ્છમાં બહારથી આવતી વ્યક્તિઓ તેમના જિલ્લાની પરવાનગી મેળવીને નીકળે છે તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. કચ્છમાં રહેતા સરકારી કર્મચારીઓના પરિવારજનો કે સરકારી કર્મચારીઓ ખુદ નોકરી જેવા બહાના શોધી કચ્છમાં આવવા પરમિશન મેળવી આવી રહ્યા છે. આવા આવનારા લોકો પૈકી કોઈ કોરોના પોઝિટિવ આવી જશે અને પૂરતી તકેદારી નહીં રહે તો કચ્છમાં કોરોના ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. ભુજની લેવા પટેલ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો. મહાદેવ પટેલ પણ અપીલ કરતાં કહે છે કે, સ્થાનિક કચ્છીઓની સલામતી માટે પણ મુંબઈવાસી કચ્છીઓએ ન આવવું જોઈએ. રેલવે મુસાફરીમાં પણ ચેપ લાગી શકે છે. હાલે હોમ કવોરેન્ટાઈન કરાયેલા એનઆરઆઈ સહિતના પણ બહાર નીકળતા કે પરિવારજનોને મળતા હોય છે. ડો. પટેલ ઉમેરે છે કે, કોરોનાનો ચેપ લાગ્યાના પહેલા સપ્તાહમાં તો ખબર જ નથી પડતી એટલે તે દરમ્યાન સંસર્ગમાં આવનારા માટે પણ જોખમ સર્જાઈ શકે છે. બહારથી આવનારા કચ્છમાં જુદી-જુદી જગ્યાએ જશે. વિશાળ વિસ્તાર હોવાથી જો ફેલાય તો નિયંત્રણ કરવું અઘરું થશે. આઈએમએ દ્વારા પણ તંત્રને બે સપ્તાહ રેલવે મોડી શરૂ કરવા જણાવાયું છે. મુંબઈમાં ગુજરાતના પ્રમાણમાં કોરોનાનો રેશિયો વધુ હોવાથી તેમણે ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer