`લોકડાઉનજન્ય'' ભાવવધારાથી આમઆદમી પરેશાન

હરીશ ચંદે દ્વારા- ભુજ, તા. 3 : લોકડાઉનની અસર હેઠળ જીવનજરૂરી ચીજો સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશ સાથે સ્થા. જથ્થાબંધ બજારના વેપારીઓ સરકારની સૂચના મુજબ છેલ્લા આઠ દિવસથી બજારનો કામકાજ રાબેતા મુજબ શરૂ થઇ ગયો છે. જો કે, શરૂઆતમાં માલની છત-અછત વચ્ચે ઊંચા ભાવ લેવાતા હોવાની જે ફરિયાદો ઊઠી હતી તેમાં છેલ્લા બે-ત્રણ દિવસથી બજારમાં ઘણા માલ છત થઇ જતાં ભાવ વધતાં અટકી ગયા છે.વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા બે-ત્રણ?દિવસમાં ખાંડ, ખાદ્યતેલ, ચોખા, ઘઉંની મથકોથી આવક શરૂ થઇ ગઇ છે પણ પરિવહન ભાડાંમાં બે ગણો વધારો થઇ ગયો હોવાથી ભાવની પડતર ઊંચી થઇ રહી છે જેથી ભાવ થોડા ઘણા ઊંચા બોલાઇ રહ્યા છે. બજારમાં હાલ એવી સ્થિતિ છે કે મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ લોકલના રીટેલ દુકાનદારો પાસે માલનો પુરવઠો પૂરતા પ્રમાણનો રહ્યો હોવાથી બજારમાં હવે લેવાલી ઓછી થઇ ગઇ છે. બીજીતરફ, રાજ્યના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટયાર્ડ) માર્ચ એન્ડિંગ બાદ આજે રાબેતા મુજબ ખૂલવાના હતા, પણ ટ્રાન્સપોર્ટ વ્યવહાર ઓછો રહ્યો હોવાથી તેમજ યાર્ડમાં મજૂરો રાજસ્થાનના હોવાથી  હવે તા. 14 એપ્રિલ પછી શરૂ     થાય તેવી શક્યતા યાર્ડના સત્તાવાળા સહિત વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. જથ્થાબંધ બજારમાં માલની છત વચ્ચે ખાંડના ભાવ ઘટીને ક્વોલિટી મુજબ રૂા. 3775થી 3875, સીંગતેલ બ્રાન્ડેડ?માલના રૂા. 2340/2350, કપાસિયા તેલ બ્રાન્ડેડના રૂા. 1530, લોકલના રૂા. 1420, પામોલીન તેલના રૂા. 1280, સૂરજમુખી તેલના રૂા. 1380/1420, બ્રાન્ડ મુજબ જીએસટી અલગ મુજબના હતા. તેવી જ રીતે મગફાડા-મગદાળની આવકને કારણે રૂા. 106/115 સુધી બોલાતા હતા. ઘઉં નીચામાં અગાઉ જે રૂા. 2100 આસપાસ મુજબ વેચાતા હતા જે રૂા. 2200/2300ના તેમજ બ્રાન્ડેડ માલના ક્વોલિટી મુજબ રૂા. 2500/2800ના ભાવે ખપી રહ્યા હતા.પશુ આહાર : પશુ આહાર બજારમાં મુખ્યત્વે ઘઉં ભૂંસાની આવકો ગુજરાત-રાજસ્થાન સહિત મધ્યપ્રદેશથી શરૂ થઇ ગઇ?હોવાથી બજારમાં હાલપૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે તેવું ગોવિંદભાઇ ઠક્કરે જણાવતાં કહ્યું હતું કે, તાલુકા મથકોએ પણડાયરેક્ટ ગાડીઓ પહોંચી ગઇ?છે જેથી હવે બજારમાં માલની છત વચ્ચે રૂા. 1100/1160ના બ્રાન્ડ મુજબ હતા. મોટર ભાડાંમાં દોઢથી બે ગણો વધારો થઇ ગયો છે. જેથી માલની પડતર ઊંચી રહી છે જે આગામી દિવસોમાં ભાડાં ઘટી જશે તો ભાવ દબાઇ જશે. કપાસિયા ખોળ વિશે અહીંના ઉત્પાદક હિતેશ ઠક્કરે જણાવ્યું હતું કે, મથકોએ જીનિંગ પ્રેસ બંધ?હોવા સામે કપાસની આવકો અટકી ગઇ?છે. સામે અહીંના લોકલ ઉત્પાદકો પાસે હાલ પૂરતા પ્રમાણમાં રહ્યો છે પણ આગળ જતાં કાચામાલની અછત તેમજ કામદારોની અછત વચ્ચે ઉત્પાદન ઉપર અસર પડવાની પૂરી શક્યતા છે પણ સામે ગ્રામ્ય વિસ્તારોમાં પુરવઠો જળવાયેલો હોવાથી લેવાલી ઓછી રહી છે. જો કે, બજારમાં રૂા. 1260/1320ની આસપાસ બ્રાન્ડ મુજબ ભાવ રહ્યા છે. દરમ્યાન, સ્થા. જથ્થાબંધ વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે, બજારમાં ખોટી ગિર્દી ન થાય તે માટે વેપારી મંડળ સમિતિ દ્વારા રોજ 50 વેપારીઓ દુકાનો ખુલ્લી રાખી શકે તે મુજબ પાસનું વિતરણ કરાયું છે. તો બીજીતરફ પુરવઠા શાખાની મૌખિક સૂચનાના પગલે દરેક દુકાનદારો સિવાય અન્ય છૂટક ઘર ખર્ચવાળાઓને માલ આપવો નહીં તેવી સૂચના આપવામાં આવી છે તેમ છતાં અમુક લેભાગુ તત્ત્વ અને કહેવાતા અમુક પત્રકારો ખોટી રજૂઆતો કરીને વેપારીઓને તંગ કરી રહ્યા છે. જેથી વેપારીઓ દ્વારા સરકારી તંત્રમાં તે બદલ રજૂઆત કરાઈ રહી છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer