લોકડાઉન અમલ માટે નવું `કડક'' જાહેરનામું

ભુજ, તા. 3 : કોરોનાના સંક્રમણને નાથવા કેન્દ્ર સરકારે 21 દિવસનું લોકડાઉન જારી કર્યું છે. જો કે લોકડાઉનની ચુસ્ત અમલવારીમાં જોઈએ તેવી જાગૃતતા લોકોમાં જોવા ન મળતાં અને આજે કચ્છ જિલ્લા કલેકટરે અમલી લોકડાઉનના દસમા દિવસે નવું જાહેરનામું બહાર પાડી જે રીતે કફર્યુમાં છૂટછાટ આપવામાં આવે છે એવી રીતે લોકોને અમુક નિશ્ચિત સમય માટે આકરા નિયંત્રણો સાથે મુક્તિ આપવાનું જાહેર કરીને `કડક' અમલવારીનો અંદેશો આપ્યો છે. કલેકટર પ્રવીણા ડી. કે.એ ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ 144, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 37(4), 43 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 34 હેઠળ આવશ્યક ચીજવસ્તુઓ લેવા જવા માટે સવારે 7થી 11 અને સાંજે પથી 7ના ગાળા માટે મુક્તિ આપવામાં આવી છે. તમામ શહેરી વિસ્તારમાં આ જાહેરનામું અમલી રહેશે. આ સમયગાળામાં ટુ વ્હીલર પર એક જ વ્યક્તિ, જ્યારે ફોર વ્હીલરમાં ડ્રાઈવર સહિત ત્રણ વ્યક્તિને જવાની છૂટ અપાઈ છે. આ સિવાય જિલ્લાના તમામ નગરપાલિકા વિસ્તારમાં 14મી એપ્રિલ સુધી ટુ વ્હીલર કે ફોર વ્હીલરમાં પ્રવાસ કરવા પર પાબંધી ફરમાવી દેવાઈ છે. જાહેરનામામાં એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, લોકડાઉન હોવા છતાં કેટલાકલોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળી રહ્યા હોવાના લીધે કોરોના વાયરસનું સંક્રમણ વધે તેવી સંભાવનાને નકારાતી નથી. જેથી આવા બિનજરૂરી બહાર નીકળતા લોકો પર નિયંત્રણ લાવવા અને લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવા માટે આ નવો આદેશ જારી કરાયો છે. સૂચિત જાહેરનામામાંથી સરકારે ફરજ પરની વ્યક્તિઓ આવશ્યક ચીજવસ્તુનું વેચાણ/વિતરણ કરતી વ્યક્તિ કે જેમને પાસ અપાયા હોય, મેડિકલ ઈમરજન્સી તેમાં પણ અગાઉના કેસ પેપર સાથે રાખી છૂટછાટ અપાઈ છે. આવશ્યક ચીજવસ્તુનું વેચાણ કરતી આ દુકાનોને સમય લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનારા વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 188, ગુજરાત પોલીસ એક્ટની કલમ 139 તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.   

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer