રમતવીરો સાથે મોદીનો પરામર્શ

નવી દિલ્હી,તા .3 (પીટીઆઈ) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વર્તમાન ક્રિકેટ સુકાની વિરાટ કોહલી, બીસીસીઆઈના પ્રમુખ સૈરવ ગાંગુલી અને મહાન બેટધર સચિન તેંડુલકર સહિતના ભારતના ટોચના રમતવીરો સાથે કોરોના વાયરસ સામેની જંગ અને લોકડાઉન જેવા મુદાઓ પર ચર્ચા કરી હતી. મોદીએ વીડિયો કોન્ફરન્સિંગમાં જણાવ્યું હતું કે આ જગત બીજા વિશ્વયુદ્ધ બાદના સૈથી મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે દિગ્ગજ ખેલાડીઓ પાંચ સંદેશ લોકો સુધી પહોંચાડે.આ વીડિયો કોન્ફરન્સિંગમાં રમતગમત મંત્રી કિરન રિજિજુ ઉપરાંત 49 ટોચના એથલિટો જોડાયા હતા. ખેલ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર દરેકને બોલવા અને વર્તમાન પરિસ્થિતિ અંગે પોતાના અભિપ્રાય રજૂ કરવા માટે ત્રણ મિનિટ અપાઈ હતી.  વડાપ્રધાને ખેલ હસ્તીઓને પાંચ સંદેશ લોકો સુધી પહોંચાડવાની અપીલ કરી હતી. જેમાં પ્રથમ મહામારી સામે લડવાનો સંકલ્પ, બીજું સંયમ સાથે સામાજિક અંતર જાળવવું, ત્રીજું લોકોમાં સકારાત્મકતા જગાવવી, ચોથું કોરોના સામે જંગે ચડેલા તમામ વીરોનું સન્માન અને પાંચમું  વ્યક્તિગત રીતે દરેક જણ સાથ આપે અને પીએમ કેયર્સ ભંડોળમાં મદદ કરે એ પાંચ સંદેશ સામેલ હતા. રમતવીરોએ મોદીના નેતૃત્વની પ્રશંસા કરીને જણાવ્યું હતું કે તેઓ આ સંદેશ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રસારનો પ્રયાસ કરશે. મોદી સાથેની ચર્ચામાં મહેન્દ્રસિંહ ધોની, સ્ટાર શટલર પી.વી.સિંધુ, ચેમ્પિયન ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરા,ચેસના દિગ્ગજ વિશ્વનાથન આનંદ,સ્ટાર ભારતીય ઓપનર રોહિત શર્મા, લોકેશ રાહુલ, યુવરાજસિંહ, પૂર્વ ઝડપી બોલર ઝહીર ખાન, વિશ્વવિજેતા મહિલા બોક્સર મેરિ કોમ, મહિલા હોકી ટીમ કપ્તાન રાની રામપાલ, જાણીતી દોડવીર હિમા દાસ, બોક્સર અમિત પંઘાલ, રેસલર વીનેશ ફોગાટ, શૂટિંગ સ્ટાર મનુ ભાકર વગેરે જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer