ભારતથી પરત ફરેલા દ. આફ્રિકાના તમામ ક્રિકેટરના નેગેટિવ રિપોર્ટ

જોહાનિસબર્ગ, તા.3: ટીમ ઇન્ડિયા વિરૂધ્ધની વન ડે સિરિઝ ટૂંકાવીને સ્વદેશ પરત ફરેલ દક્ષિણ આફ્રિકાના તમામ ક્રિકેટરોના કોરોના વાઇરસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ સમાચારથી બીસીસીઆઇ અને સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ ઉપરાંત ખેલાડીઓનાપરિવારજનોએ રાહત અનુભવી છે.ભારત પ્રવાસેથી પરત ફરેલા તમામ આફ્રિકી ક્રિકેટર્સને એકાંતવાસમાં રખાયા હતા. આ પછી તેમના રિપોર્ટ કરાયા હતા. જે નેગેટિવ આવ્યા છે. આ જાણકારી આફ્રિકાની ટીમના મુખ્ય ડોકટર શુએબ માંજરાએ આપી હતી. દ.આફ્રિકાની ટીમ 18 માર્ચે ભારતથી પરત ફરી હતી. બાદમાં ટીમના તમામ ખેલાડીઓને ક્વોરન્ટાઇનમાં રહેવાની સૂચના મળી હતી. આ તમામ ખેલાડીઓ આ અવધિ ગુરૂવારે પૂરી કરી છે. જો કે  તેઓ બીજા દેશવાસીઓની જેમ બે સપ્તાહ સુધી લોકડાઉનની સ્થિતિમાં રહેશે.  ભારત અને આફ્રિકાની ક્રિકેટ ટીમ વચ્ચે 12 માર્ચે ધર્મશાલામાં પહેલો વન ડે મેચ વરસાદમાં ધોવાઇ ગયો હતો. જયારે લખનૌ અને કોલકતામાં રમાનાર બાકીના બે વન ડે કોરોના વાઇરસને લીધે રદ કરાયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer