કચ્છમાં લોકડાઉન વચ્ચે ચારના અપમૃત્યુ

ગાંધીધામ, તા. 3 : કોરોના વાયરસ સામેનો જંગ જીતવા જાહેર કરાયેલી તાળાબંધી વચ્ચે આજે કચ્છમાં અકસ્માત મોતના ત્રણ બનાવમાં એક વૃધ્ધ, યુવાન અને આધેડની જીવનયાત્રા ઉપર પૂર્ણવિરામ મુકાયું હતું. રાપર તાલુકાના નંદાસર ગામની કેનાલમાં પુત્રની નજર સામે  ગોવિંદ વાલા કોલી ડૂબી ગયો હતો. તો ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં   70 વર્ષીય આધેડ ભચુ રામા મમુઢિયા તળાવમાં મૃત હાલતમાં મળી આવ્યા હતાં. જયારે ભચાઉમાં ભચુ લુહાર ઉ.વ.45નું પડી જવાથી  મોત નીપજયું હતું. જયારે માંડવી તાલુકાના ગઢશીશા ગામમાં ભરત દેવજી આતુ (ઉ.વ.35)એ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ રાપર તાલુકાના નંદાસર ગામની નર્મદા કેનાલમાં હતભાગી યુવાન પાઈપમાં પાણી ભરવા માટે ઉતર્યો હતો. આ દરમ્યાન અકસ્માતે પગ લપસી જતાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. કેનાલની બહાર ઉભેલા પુત્રએઁ પિતાને બચાવવા માટે રાડો પાડી હતી. પરંતુ લોકડાઉનના કારણે અવરજવર ઓછી હોવાથી કોઈ બચાવવા કોઈ આવ્યું નહી. જેથી કુમળી વયના પુત્રની નજર સામે જ યુવાન ડૂબી ગયો હતો. રાસાજી ગઠડાનો રહેવાસી હતભાગી યુવાન ખેતમજૂરી કરતો હતો. અને તે તેના માતા-પિતાનો એક જ પુત્ર હતો.ભુજ તાલુકાના કંઢેરાઈ ગામાં અકસ્માત મોતનો બનાવ આજે સવારે 6 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી વૃધ્ધ ગામના તળાવમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવ આપઘાતનો  છે કે અકસ્માતનો તે જાણવા પોલીસે છાનબીન આદરી છે.ભચાઉના બનાવ અંગે મળતી વિગતો મુજબ 45 વર્ષીય આધેડ  ભચુ લુહાર આજે સવારે બંધ કોમ્પલેક્ષના ઓટલા ઉપર મૃત હાલતમાં મળી આવ્યા હતાં. પડી જવાથી માથામાં ઈજા થવાથી તેમનું મોત નીપજયું હતું. જૈન યુવક  મંડળ દ્વારા લોકડાઉન હોવાથી જરૂરિયાતમંદોને ભોજનનું વિતરણ કરાય છે. ગત રાત્રિના હતભાગી ભોજન લેવા આવ્યા ત્યારે બરાબર હતા. આજે સવારે તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બીજી બાજુ માંડવી તાલુકાના ગઢશીશાના બાલકૃષ્ન નગરમાં અકસ્માત મોતનો બનાવ આજે સવારે 11 થી 12 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી યુવાને  પોતાના ઘરે આડીમાં ગમછા વડે ગળાફાંસો ખાઈ ફાની દુનિયાને અલવિદા કહી હતી. બનાવ પછવાડેનું કારણ અકળ છે. પોલીસે અકસ્માત મોતનો  ગુનો નોંધી વધુ તપાસ અનિરુદ્ધસિંહ ચલાવી રહ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer