ચટપટી વાનગીઓ અને માંસાહાર પણ મળે એ લોકડાઉન સામે `ખતરો''

ભુજ, તા. 3 : લોકડાઉનની અમલવારી માટે એક બાજુ શ્રેણીબદ્ધ અને ક્રમશ કડક પગલાં લેવાઇ રહ્યાં છે તેવા સમયે અમુક વ્યવસાયી સ્થાનોનેખાણીપીણીની ચીજવસ્તુઓની હોમ ડિલિવરી માટે અપાયેલી મંજૂરી તંત્રના પગલાઓ માટે `પાણીઢોળ' સાબિત થવાની ભીતિ સેવાઇ રહી છે. જિલ્લાના વહીવટી અને પોલીસતંત્ર દ્વારા હાલમાં ભુજની જુદીજુદી પંદર હોટલ અને રેસ્ટોરન્ટને આવી હોમ ડિલિવરી માટે મંજૂરી અપાઇ છે. આવા સ્થાનોમાં માંસાહારી ખાદ્યચીજો બનાવનાર સ્થળનો પણ સમાવેશ થાય છે. સામાન્ય લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે પણ તકલીફ સહન કરવી પડી રહી છે તેવા સમયે ચટપટી વાનગીઓ કે મનગમતા ભોજન સાથે માંસાહારી વસ્તુઓ પહોંચતી કરવાનો નિર્ણય વાજબી છે કે કેમ તે બાબતે વ્યાપક સવાલો ઊભા થયા છે. કેટલાક જાગૃત લોકોએ આ બાબતે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે હોમ ડિલિવરી કરવા માટે દિવસ દરમ્યાન અનેક સ્થળે ફરનારા ડિલિવરી બોયને કયાંકથી ચેપ લાગી જાય તો તે કેટલાયે જણને નુકસાન કરી શકે તેમ છે. તો આ સમગ્ર પ્રક્રિયાને લઇને લોકડાઉન ભંગને સંલગ્ન અનેક પરિમાણો જોવા મળી રહે તેમ છે. દરમ્યાન કોરોનાનો ઉદ્ભવ જ્યાંથી થયો તે ચીનમાં માંસાહાર થકી જ મહામારી ફેલાયાનું બહાર આવી ચૂકયું છે. આ સ્થિતિમાં માંસાહારથી દૂર રહેવાની સલાહ તજજ્ઞો અને તબીબો આપી રહ્યા છે તેવા સમયે માંસાહાર બનાવતી હોટલો અને રેસ્ટોરન્ટને મંજૂરી આપવાના નિર્ણય તરફ પણ જાગૃતો આશ્ચર્ય વ્યકત કરી  રહ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer