ગાંધીધામમાં સસ્તા અનાજની દુકાનેથી મળતા અનાજની ગુણવત્તા અંગે આક્ષેપ

ગાંધીધામ, તા. 2 : લોકડાઉન વચ્ચે શ્રમિક લોકોને નિ:શુલ્ક રાશન મળી રહે તે હેતુથી વાજબી ભાવની દુકાનોએ રાશન ચાલુ કરાયું છે, પરંતુ આ રાશનની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે. બીજીબાજુ રાશન લેવા આવતા લોકો વચ્ચે સામાજિક અંતર ન હોવાનું પણ બહાર આવ્યું હતું. આ તાલુકાની 55 વાજબી ભાવની દુકાનોમાં ગઇકાલથી એન.એફ.એસ.એ.નો થપ્પો ધરાવનારા રાશનકાર્ડધારકોને રાશન આપવામાં આવી રહ્યું છે.અમુક દુકાનના સંચાલકો એન.એફ.એસ.એ.માં ન આવતા લોકોને પણ રાશન આપતા હોવાની લોકોમાં ફરિયાદો ઊઠી હતી. તેમજ વાજબી ભાવની દુકાનોમાંથી શ્રમિક વર્ગને અપાતા ઘઉં, દાળ વગેરેની ગુણવત્તા બહુ જ હલકા પ્રકારની હોવાની ફરિયાદો ઊઠી હતી. આવો માલ તો પશુ પણ ન ખાય તેવા આક્ષેપ લોકોએ કર્યા હતા. બીજીબાજુ, રાશનની દુકાનોએ રાશન લેવા પહોંચેલા લોકોમાં સામાજિક અંતર જેવું કાંઇ જ દેખાયું નહોતું. તમામ દુકાનો ઉપર પોલીસ તૈનાત કરાઇ હોવા છતાં સામાજિક અંતર ન દેખાતાં આવામાં કોરોનાના સંક્રમણથી કેવી રીતે બચવું તેવા પ્રશ્નો પણ બહાર આવ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer