31મીએ નિવૃત્ત થયેલા આરોગ્યકર્મીઓની કરાર આધારે મે સુધી ફરજ લંબાવાઇ

ભુજ, તા. 3 : કોરોના વાયરસની મહામારી સામે દેશ?ઝઝૂમી રહ્યો છે ત્યારે 31મી માર્ચ અને 12મી એપ્રિલના નિવૃત્ત થતા કર્મચારીઓને કરાર આધારિત 31/5 સુધી ફરજ લંબાવવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના કર્મીઓ માટે પરિપત્ર જારી કર્યો છે. અલબત્ત, કચ્છમાં આવા બે કર્મચારીઓ જ આ વ્યાખ્યામાં આવે છે.બીજીતરફ, 31મી માર્ચના વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા અન્ય કર્મચારીઓને લોકડાઉનના કારણે સાથીદારો દ્વારા આયોજિત વિદાયમાન સમારંભો ઠેલવા પડયા છે. જિ.પં.ના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર 31/3ના માત્ર બે જ કર્મચારીઓની સ્વૈચ્છિક નિવૃત્તિની દરખાસ્ત હતી. તેમને હવે 31મી મે સુધી ફરજ બજાવવાની રહેશે. અત્યારે કોરોના સામે જંગ છેડવામાં જેની મહત્ત્વની ભૂમિકા છે તેવા આરોગ્યકર્મીઓ માટે કરાર આધારિત નિમણૂકનો ખાસ પરિપત્ર જારી કરાયો છે. આમ, તેમને રાષ્ટ્રહિત માટે 10થી 15 હજાર વેતનમાં ફરજ બજાવવાની રહેશે. જો કે, સૂત્રોએ કહ્યું હતું કે, આ મહામારી એવી છે કે નિવૃત્તોને ઘેરથી ફરજ પર બોલાવે તો પણ?તે હિચકિચાટ ન અનુભવે પરંતુ પરિપત્રની વ્યાખ્યામાં બે જ કર્મીઓ આવે છે.બીજીતરફ, અન્ય સરકારી તંત્રમાં 31મીના અનેક કર્મચારીઓ નિવૃત્ત?થયા છે તેમને માત્ર શાલ-શ્રીફળથી જ વિદાયમાન આપી દેવાયું છે. અત્યારના સંજોગોમાં વરસો સુધી સાથ નિભાવનારા કર્મચારીઓ પાર્ટી આપી શકે તેમ નથી, પરિણામે આવા કિસ્સામાં પાર્ટી અને ગિફ્ટ સાથેનું વિદાયમાન પેન્ડિંગ રાખવામાં આવ્યું છે.હવે આવા અનેક કર્મચારીઓને લોકડાઉન બાદ ફરી કચેરીમાં ખાસ સાથી મિત્રોના વિદાયમાન કાર્યક્રમમાં ભાગ લેવા બીજી વખત જવું પડશે તેવું સૂત્રો ઉમેરે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer