પૂર્વ કચ્છમાં સોશિયલ મીડિયામાં ભય ફેલાય તેવા લખાણ બદલ ત્રણ જણ સામે ગુનો

ગાંધીધામ, તા. 3 : કોરોના વાયરસની મહામારી અનુસંધાને વોટ્સએપ અને ફેસબુકમાં લોકોમાં ડરનો માહોલ  સર્જાય તેવું લખાણ લખી સ્ટેટસ મૂકનારા ત્રણ શખ્સ સામે પૂર્વ કચ્છ પોલીસે ગુના દર્જ કર્યા છે. આરોપીઓ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ સહિતની કલમો તળે ગુના નોંધવામાં આવ્યા છે.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ કોરોનાની મહામારી વચ્ચે જનતાની સુરક્ષા માટે  સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવા પૂર્વ કચ્છ પોલીસવડા પરીક્ષિતા રાઠોડની સૂચનાના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. ભચાઉ પી.આઈ. એમ. એચ. જેતપરિયા આરોપી મહેન્દ્ર ગોવર્ધન સુથાર સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ વોટ્સએપ ઉપર વહીવટી તંત્રની છબી ખરડાય અને લોકોમાં ભય ફેલાય તેવો મેસેજ મોબાઈલ ઉપરથી વહેતો કર્યો હતો. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે  આરોપી વિશાલ  રાજગોર સામે ફરિયાદ નોંધી હતી. આરોપીએ  જાહેરમાં શાંતિનો ભંગ  કરવાના ઈરાદે ભયનજક પોસ્ટ મૂકી સમાજમાં ભય ફેલાવવા અફવા ફેલાવી હતી. વોટ્સએપમાં સ્ટેટસ મૂકયા બાદ તેણે ડિલિટ કરી નાખ્યું હતું. બીજી બાજુ અંજારમાં પણ એક શખ્સ સામે  ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમો તળે  પોલીસે ગુનો દર્જ કર્યો હતો. આરોપી અસ્લમ તુર્કે પોતાના મોબાઈલમાં ફેસબુક મારફત સમાજમાં ભય ફેલાય તેવો મેસેજ વહેતો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે લાકડિયાના પ્રાથમિક શાળાના આચાર્ય સામે પોલીસે ફોજદારી નોંધી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer