પૂર્વ-મધ્ય કચ્છના માછીમારોને જીવનજરૂરી ચીજો આપવા માંગ

ગાંધીધામ, તા 3: અહીંના માછીમાર ઉત્કર્ષ મંડળે મત્સ્યોદ્યોગ વિભાગથી લઈને મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં પૂર્વ-મધ્ય કચ્છના માછીમારોને લોકડાઉનની સ્થિતિમાં જીવનજરૂરી ચીજો પહોંચાડવા રજુઆત કરી છે. સંસ્થાના મહામંત્રી વિષ્ણુ એ. મોરીએ પત્રમાં જણાવ્યું છે કે કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને રાષ્ટ્રને લોકડાઉન કરાયું છે તથા સ્થાનિક પ્રશાસને 144 મી કલમ લાગુ કરી છે. પરિણામે માછીમારો માછીમારી કરી શકતા નથી. ગુજરાતના નવલખી, કંડલા, તુણા, વંડી, ભદ્રેશ્વર, મુન્દ્રા તથા ત્રગડીના માછીમારોની આ કારણસર કફોડી હાલત થઈ છે. રોજનું કમાઈને રોજ ખાનારા આ વર્ગને ઘરે હવે ખાવાના સાંસા છે. કાંઠાળ વિસ્તારના આ માછીમારોને અનાજ, કઠોળ, કરિયાણું, દુધ-છાશ, શાકભાજી વગેરેનો જથ્થો ઝડપથી ઉપલબ્ધ કરાવાય તેવો અનુરોધ પત્રમાં કરાયો છે. પત્રમાં અમુક અંશે માછીમારીની છુટ આપવાની અપીલ પણ કરાઈ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer