11થી 5ના આદેશનું ખોટું અર્થઘટન થતાં ગાંધીધામ સંકુલમાં લોકો બિન્ધાસ્ત

ગાંધીધામ, તા. 3 : લોકડાઉનનાં પગલે પૂર્વ કચ્છમાં સવારે 11થી પાંચ દરમ્યાન ઈમરજન્સી આરોગ્યના કામ સિવાય કોઈને ઘરથી ન નીકળવા પોલીસે આદેશ કર્યો છે, ત્યારે પાંચ વાગ્યા પછી લોકો પોતાના ઘરોમાંથી નીકળી પડે છે. તો પાલિકાએ શાકભાજીવાળાઓ માટે અલાયદી વ્યવસ્થા કરી હોવા છતાં હજુ પણ શાકભાજીવાળાઓ પોતાની જૂની જગ્યાએ ઊભા રહીને વેપાર કરી રહ્યા છે. લોકડાઉન હોવા છતાં ગાંધીધામમાં વાહનોની અવરજવર વધુ જણાતાં મુખ્યમંત્રીએ આ અંગે પોલીસને ઠપકો આપ્યો હતો, પરિણામે પોલીસ કડક બની હતી અને સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી મેડિકલ ઈમર્જન્સી સિવાય કોઈએ બહાર ન નીકળવું તેવું જણાવાયું હતું.  તેમ છતાં નાના-નાના કામ માટે ઘરેથી નીકળનારા લોકો વિરુદ્ધ પોલીસે ગુના નોંધ્યા હતા. સાંજે પાંચ વાગ્યા સુધી લોકોએ ઘરેથી બહાર ન નીકળવું તેવું ફરમાન આવ્યા બાદ લોકોને એમ થયું હતું કે, પાંચ પછી નીકળી શકાય છે અને આજે સુંદરપુરી, ભારતનગર, આદિપુર મદનસિંહ સર્કલ, સંતોષી માતા મંદિર ચાર રસ્તા, મૈત્રી રોડ, બસ સ્ટેન્ડ, મણિનગર વગેરે વિસ્તારોમાં લોકો પોતાના ઘરેથી બહાર નીકળી પડયા હતા.  અમુક જગ્યાએ લોકો ચાર કે તેથી વધુ પણ ભેગા થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. માત્ર પાંચ સુધી જ લોકડાઉન હોવાનું સમજીને લોકો નીકળી પડતાં આ ગંભીર બાબત હોવાનું પણ સામે આવ્યું હતું. અમુક લોકો હજુ પણ ગંભીરતા ન દાખવતાં હોવાનું પણ સ્પષ્ટ થયું હતું. બીજી બાજુ ગાંધીધામ-આદિપુરમાં આવેલી શાક માર્કેટ માટે પાલિકાએ અલાયદી વ્યવસ્થા ગોઠવી છે, જેમાં અમુક બજારનો સમય સવારે 7થી બપોરે બેનો છે તો અમુક સાંજના ભાગે ખુલ્લી રખાય છે. પરંતુ શહેરના સુંદરપુરી પાણીના ટાંકા વગેરે જગ્યાએ સાંજે પણ શાકભાજીવાળા શાકભાજી વેચતા નજરે ચડયા હતા, જ્યાં સામાજિક અંતર રાખ્યા વગર લોકો ખરીદી કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. આવી બેદરકારીઓનાં કારણે પોલીસ, આરોગ્ય તંત્ર, વહીવટી તંત્ર છેલ્લા કેટલાક સમયથી જે તનતોડ મહેનત કરી રહ્યાં છે તે એળે જતું હોવાનું પણ જાણકારોએ જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer