તંત્રને સર્વેમાં ફ્લુવાળા 1217 દર્દી મળ્યા

ભુજ, તા. 3 : કચ્છમાં આરોગ્ય તંત્ર દ્વારા આશા અને આંગણવાડી કાર્યકરોના સહયોગે ઘરોઘર આરંભાયેલા સર્વેની કામગીરી હવે બે ટકા જેટલી જ બાકી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું હતું. ઘરોઘર સર્વેની ચાલતી કામગીરી દરમ્યાન ફ્લુવાળા 1217 દર્દી જણાતા તેમને દવાખાને મોકલાવાયા હતા.લખપતના આશાલડીના મહિલા વિદેશથી આવતાં તપાસમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ઓક્સિજન કે વેન્ટિલેટર વિના શ્વાસોચ્છ્વાસ લઈ રહ્યા હોવાનું અને સ્વસ્થ હોવાનું તેમની તબિયત તપાસ્યા બાદ સિવિલ સર્જન ડો. બૂચે જણાવ્યું હતું. આ મહિલા દર્દીના આવતીકાલે સેમ્પલ પરીક્ષણ માટે લઈ લેબમાં મોકલાશે. રજા આપવાના નિયમ અંગે સમજાવ્યું કે, નેગેટિવ રિપોર્ટ આવ્યાના 23 કલાકમાં ફરી સેમ્પલ મોકલવાય એ નેગેટિવ રિપોર્ટ આવે ત્યારે હોસ્પિટલમાંથી ઘેર જવા દેવાય.કચ્છમાં સોમવારથી શરૂ કરાયેલી ઘરે-ઘરે જઇને શરદી અને ઉધરસવાળી વ્યકિતઓની તપાસ પૈકીની કામગીરી હેઠળ કુલ 21,71,982 લોકોનો સર્વે કરાયો છે. જેમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સરકારી આરોગ્ય કેન્દ્રમાં કુલ 1217 વ્યકિતને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી સમગ્ર જિલ્લામાં 97.82 ટકા લોકોનો હોમ ટુ હોમ સર્વે કરાયો છે. 


નવા 784 વ્યકિતનું સ્ક્રીનિંગ કરાયું   જિલ્લા તંત્ર દ્વારા ગઇકાલ સાંજે ચારથી આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં 784 વ્યકિતનું ક્રીનિંગ કરવા સહિત અત્યાર સુધી કુલ 34,954 લોકોનું ક્રીનિંગ કરાયું છે. જેમાંથી અત્યાર સુધીમાં 17 જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. હાલમાં એક કેસ પોઝિટિવ છે. આમ અત્યાર સુધીમાં કુલ 16 વ્યકિતના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, તેવું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.  


કુલ 6064 લોકોને કવોરેન્ટાઇન કરાયા   જિલ્લા કલેકટર અને આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાયરસના પગલે કુલ 6064 લોકોને કવોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમ્યાન 582 જેટલી વ્યકિતને હોમ કવોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે, જ્યારે 6026 વ્યક્તિને ઘરમાં કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 2181 ઈન્સ્ટિટયૂશનલ કવોરેન્ટાઇન વ્યવસ્થા છે. જેમાં 38 વ્યકિતને રાખવામાં આવ્યા છે અને 47 વ્યકિતને મુકત કરવામાં આવ્યા છે. આ વિગત આજ સાંજના ચાર વાગ્યા સુધીની હોવાનું તંત્રની યાદીમાં જણાવાયું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer