જિલ્લાના અગિયાર હજાર પેન્શનરનું પેન્શન નિયત સમયે જમા કરી દેવાયું

ભુજ, તા. 3 : કોરોનાની મહામારી અને લોકડાઉનની વિકટ પરિસ્થિતિમાં પણ પેન્શનરોના ખાતામાં  માસિક પેન્શનની રકમ તથા તમામ સરકારી કર્મચારીઓનો પગાર નિયત સમયે જ જમા કરાવવાની કામગીરી પૂર્ણ કરાઇ છે. માર્ચ એન્ડિંગની કામગીરીના ભારણ વચ્ચે જિલ્લા તિજોરી કચેરી અને પેટા તિજોરી કચેરીના સ્ટાફની સરાહનીય કામગીરી અને ટીમવર્કથી કચ્છ જિલ્લાના 11 હજાર પેન્શનરોની રકમ અને કર્મચારીઓના પગાર તેમના બેન્ક ખાતામાં જમા કરી દેવાઇ છે. જેના કારણે પેન્શન ઉપર નભતા સિનિયર સિટીઝનોને અને નાના કર્મચારીઓને વર્તમાન સમયમાં સમયસર પોતાની નાણાકીય રકમ મળી શકશે. આ વખતે સરકારની સૂચના મુજબ 50 ટકા રોટેશન મુજબ તિજોરી કચેરીના  મહિલા અને પુરુષ કર્મચારીઓ/ અધિકારીઓએ મોડે સુધી રોકાઇને આ કામગીરી પૂર્ણ કરી છે. અધિકારીઓ અને સૌ કર્મચારીઓએ પણ વિપરીત પરિસ્થિતિમાં આવો અભિગમ દર્શાવીને રાજ્ય અને રાષ્ટ્રની સેવાની પ્રતીતિ કરાવી?છે તેવું જિલ્લા તિજોરી કચેરીની એક યાદીમાં જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer