મધ્યાહ્ન ભોજનનાં રાશન કૂપન છાત્રોના વાલીઓને ઘેર-ઘેર પહોંચાડવામાં આવશે

ભુજ, તા. 3 : કોરોનાના પગલે શૈક્ષણિક સંસ્થાન બંધ રાખવાનો આદેશ જારી કરાયો હતો. આ સમયગાળા દરમિયાન પ્રાથમિક-ઉચ્ચતર પ્રાથમિકમાં અભ્યાસ કરતાં બાળકોને આ સમયગાળા દરમિયાનની રોકડ રકમ તેમજ રાશનના જથ્થાના કૂપન આપવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયની અમલવારીનો ભાર શિક્ષકો પર આવતાં કચવાટ ફેલાયો છે. રાજ્યસ્તરેથી બહાર પડાયેલા પરિપત્રને ટાંકીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે વિગતો આપતાં કહ્યું કે, 1થી 5 ધોરણનાં છાત્રોને 11 દિવસમાં 54.56 તો 6થી 8 ધોરણનાં છાત્રોનાં બેન્ક ખાતામાં 76.56 રૂપિયા જમા કરવાનો આદેશ અપાયો છે. કચ્છની વાત કરતાં પ્રાથમિક શિક્ષણાધિકારીએ ઉમેર્યું હતું કે, જિલ્લાની 1705 શાળામાં અભ્યાસ કરતાં સવા બે લાખ લોકોને તેનો લાભ મળવાનો છે. આ કામગીરી અંતર્ગત શાળાના મુખ્ય શિક્ષકે યાદી તૈયાર કરીને તાલુકા મધ્યાહ્ન ભોજન યોજના શાખાને પહોંચાડી દેવાઈ છે. ત્યાં આગળથી રકમ ડીબીટી મારફત બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. તો અમલી બનેલા લોકડાઉન વચ્ચે 1થી 5 ધોરણના છાત્રને 100 ગ્રામ તેમજ 6થી 8 ધોરણના છાત્રને 150 ગ્રામ રાશનના જથ્થાના કૂપન પહોંચાડવાની જવાબદારી જે તે વિસ્તારના મ.ભો. યોજનાના સંચાલક, શિક્ષક તેમજ રસોઈયાને પહોંચાડવાની જવાબદારી સુપરત કરાતાં લોકડાઉનનો હેતુ કેટલો સર થશે તે બાબતે કેટલાક શિક્ષકો તેમજ અન્યોમાંથી સવાલો ઊઠતા જોવા મળી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાશે કે કેમ તે સહિતના મુદ્દાઓ પણ ઉપસીને સપાટી પર આવ્યા છે.આ તમામ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પૂછતાં તેમણે મહત્તમ કામગીરી પૂર્ણ થઈ ચૂકી હોવાનું જણાવી તમામ પાસાં ચકાસીને આ તમામ આદેશની અમલવારી કરાતી હોવાનું જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer