`લોકબંધી''ની ઐસીતૈસી, નીકળી પડયા નાગરિકો

`લોકબંધી''ની ઐસીતૈસી, નીકળી પડયા નાગરિકો
ભુજ, તા. 27 : આખા ભારતમાં લોકડાઉનની જાહેરાત કરાયા પછી બે-ત્રણ દિવસ સુધી લોકોએ  પાલન કર્યું, પરંતુ આજની સ્થિતિ તો જાણે સામાન્ય બનતી હોય તેવાં દૃશ્યો જોવા મળ્યા હતાં. સૂની-સૂની ભાસતી શેરીઓમાં  નાગરિકોની ચહલ-પહલ તો ચાર કે  બે પૈડાંવાળા વાહનો પણ ફરતા થઇ ગયા હતા. વાયરસ સામે લડવાની ઝુંબેશમાં લોકો પોતાની ગંભીરતા ભૂલીને રસ્તા પર આવી જતાં હવે વહીવટી તંત્રે ચીમકી આપીને  પોલીસને કડક બનવાની છૂટછાટ આપી દેવામાં આવી છે. લોકડાઉન તથા 144ની કલમ લાગુ કરવામાં આવી છે. આવા સમયે એકત્ર થતા લોકો સામે ગુનો બનતો હોવા છતાં ક્યાંક કારણ વગર પણ બહાર નીકળતા જોવા મળ્યા હતા. કેટલાક લોકો તો મેડિકલની જૂની ફાઇલો લઇને પણ પોલીસને મૂરખ બનાવીને રસ્તા પર ફરતા હતા. તેમને પણ પકડવામાં આવ્યા હતા. પોલીસ કર્મચારીઓ રોડ પર ફરજમાં તૈનાત હતા તો ક્યાંક પોલીસ સામે પણ રકઝક કરીને પોલીસ પર રોફ જમાવવાનો પ્રયાસ કરાયો હતો. ન માત્ર ભુજ શહેર પણ જાણે કચ્છમાં કોઇ?પાબંધી નથી એ રીતે ભુજમાં માંડવી, અબડાસા કે નખત્રાણા તરફથી આવતા વાહનો કે શહેરના અમુક વાહન ચાલકો પોલીસની નજર ચુકાવીને માંડવી ઓકટ્રોય સામેના અંદરના સ્વામિનારાયણ વિશ્રાંતિગૃહવાળા રસ્તેથી પસાર થઇ સીધા મુંદરા રોડ પર નીકળતા માલૂમ પડયા હતા. આટલી મોટી સંખ્યામાં વાહનોની ગેરકાયદે અવર-જવરથી રહેવાસીઓ પણ ચોંકી ઉઠયા હતા. પોલીસનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. થોડી બેકાબૂ બનેલી સ્થિતિ અંગે કલેક્ટર પ્રવીણા ડી.કે.ને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આજે પોલીસ પરપ્રાંતીય મજૂરોને રોકવામાં થોડી વ્યસ્ત બનતા તેનો લાભ લઇને વાહનોનું આવા-ગમન વધી ગયું હતું એ વાત સાચી છે. તેમણે નાગરિકોને ફરી અપીલ કરતાં જણાવ્યું કે, જો આ રીતે લોકડાઉનનો અમલ કરવામાં નહીં આવે તો સરકારને  આકરા નિર્ણય લેવા પડશે. તેમણે પોલીસ તંત્રને પણ વધુ કડક બનવાની છૂટ આપી હોવાનું જણાવ્યું હતું. હવે કોઇપણ કરિયાણા, મેડિકલ, દૂધ, શાકભાજી કે આવશ્યક વસ્તુના વેચાણવાળા વેપારીઓ પણ રસ્તા પર પાસ વગર નીકળી નહીં શકે. અમે ભુજ સહિત તમામ તાલુકા મામલતદારોને સૂચના આપી છે અને આવશ્યક વસ્તુના વેચાણવાળાને ઓળખપત્ર આપવામાં આવશે. ખોટા કારણોસર રસ્તા પર નીકળતા લોકોની સંખ્યા પણ વધી ગઇ છે. એટલે હવે નાગરિકો પોતાની જવાબદારી સમજે. પોલીસ વધુ કડક બને છે અને પગલાં લે છે તો  ખોટી-ખોટી ભલામણો કરાવવામાં આવે છે એ બાબત પણ યોગ્ય નથી તેવું કલેક્ટરે જણાવ્યું હતું. બીજી બાજુ પશ્ચિમ કચ્છના પોલીસવડા સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે, નાગરિકોની સલામતી માટેના પગલાં લેવાઇ રહ્યાં છે, છતાં સમજવાને બદલે માત્ર સામાન્ય નાની-મોટી વસ્તુની ખરીદી અર્થે બહાર નીકળવું  યોગ્ય નથી. એક હેર ડાઇ લેવા વ્યકિત ત્રણ દુકાને ફરે છે. આવા કિસ્સા પણ સાંભળવા મળે છે. ખરેખર અત્યંત ગંભીર બીમારી છે, લોકોને તેમણે ફરીથી અપીલ કરી કે, મજાક ન સમજો, નહિતર કડક બનવું પડશે તેમ છતાં આજના દિવસે પોલીસ દ્વારા  પશ્ચિમ કચ્છમાં 150 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. તેમાંથી 100ની આસપાસ એકમાત્ર ભુજમાં જ ડિટેઇન કરાયા છે, દંડ પણ કરવામાં આવે છે. કલેક્ટર તરફથી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. એ મુજબ હવે વેપારીઓને પણ ઓળખકાર્ડ રાખવા પડશે એમ તેમણે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer