કચ્છ બહાર જતા 280 શ્રમજીવી અટકાવાયા

કચ્છ બહાર જતા 280 શ્રમજીવી અટકાવાયા
ભુજ, તા. 27 : સમગ્ર ભારતમાં લોકડાઉન છે ત્યારે કચ્છમાં ગુજરાત બહારના રાજ્યોના શ્રમજીવીઓ ભયના ઓથાર વચ્ચે વતનની વાટ પકડી પગે ચાલીને નીકળવા માંડતાં પોલીસે અટકાવ્યા હતા. 280 એવા મજૂર હતા જે કચ્છના વિવિધ વિસ્તારોમાંથી ભુજ આવી પહોંચતાં તેઓને પરત મોકલવાની સાથે અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પશ્ચિમ કચ્છના પોલીસવડા સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે 280 પૈકી અમુક ભુજમાં આવ્યા હતા તો કેટલાક શેખપીર ચોકડી સુધી પહોંચી ગયા હતા.  મુંદરા, ભુજ, ગઢશીશા કે કચ્છના અન્ય વિસ્તારોમાંથી પરિવાર સાથે આવેલા શ્રમજીવીઓને સમજાવી પોલીસે તેઓ જ્યાંથી આવ્યા હતા ત્યાં પરત મોકલવા બસ સહિતના વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામને જમાડવા વગેરેની પણ સુવિધા આપવામાં આવી હતી. પોલીસવડાએ જણાવ્યું કે મુંદરા તરફથી અમુક ખાનગી કંપનીઓમાં કામ કરતા આ પરપ્રાંતીય મજૂરોને કંપનીનીની ગાડીઓ ભુજમાં ઉતારી ગઈ હતી. તપાસ કરીને એ ખાનગી કંપનીવાળાને પણ તાકીદ કરવામાં આવી હતી. ખરેખર જે લોકો જ્યાં છે ત્યાં જ રહેવાની સૂચના છે. છતાં આવા મજૂરોની જવાબદારી નહીં સંભાળનારા સામે હવે ગુનો દાખલ કરવાની પણ તેમણે ચેતવણી આપી હતી. તો આવા પરપ્રાંતીય લોકો માટે કલેકટરે કહ્યું કે અમે અલાયદી વ્યવસ્થા કરી છે જ્યાં કોઈને રહેવાની તકલીફ હોય તેવા લોકો માટે ભુજમાં ગણેશનગરના કુમાર છાત્રાલયમાં જમવા વગેરેની સુવિધા આપવામાં આવશે. એવી જ રીતે દરેક તાલુકામાં સગવડો ઊભી કરવામાં આવી રહી છે. લોકડાઉનના પગલે પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષકે મહત્ત્વનો નિર્ણય લઈ કોઈ પણ મજૂરોને બહાર જવા દેવામાં નહીં આવે... હાલ ભુજ તાલુકા અને ભુજ શહેરથી રાજસ્થાન જતા મજૂરોને પોલીસ અટકાવી તેમના સ્થાને પરત કરી રહી છે. જો કોઈ બિલ્ડર કે ફેક્ટરીના માલિક મજૂરોને તેમના વતન જવા મજબૂર કરશે તો તેમના વિરુદ્ધ પોલીસ કાયદાકીય કાર્યવાહી કરશે. કારખાના માલિકો અને બિલ્ડરોને પણ પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષકે સ્પષ્ટ ચેતવણી આપી હતી. ભુજ તાલુકા, ભુજ શહેર, મુંદરા, ખાવડા અને જી.આઈ.ડી.સી. વિસ્તારના મજૂરોને જવા દેવામાં નહીં આવે તેવી તાકીદ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer