કોરોનાથી બચવા રોગપ્રતિકારક શક્તિ વધારો

કોરોનાથી બચવા રોગપ્રતિકારક શક્તિ વધારો
ભુજ, તા. 27 : કોઈપણ વિષાણુજન્ય રોગથી બચવું હોય તો રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઈએ. જેમ કે, ટીબીના દર્દીની સારવાર કરનાર અને સાથે રહેનાર પરિવારજનોની શારીરિક નબળાઈ હોય તો તેને ચેપ લાગી શકે અન્યથા કાંઈ ન થાય. કોરોનાની દવા, રસી ઉપલબ્ધ નથી ત્યારે આ વિષાણુજન્ય બીમારી સામે બચવાના ઉપાય તરીકે રોગપ્રતિકારક શક્તિવર્ધક અમૃતપેય-ઉકાળા અને હોમિયોપેથી ગોળીનો નિયમસરનો ડોઝ લેવો સમજણભર્યું પગલું બની રહેશે તેવું આયુર્વેદ અધિકારી અને ભુજ સ્થિત કચ્છની એકમાત્ર સરકારી આયુર્વેદ હોસ્પિટલના વડા ડો. કમલેશ વી. જોશી જણાવે છે.આયુર્વેદ ઉકાળા તૈયાર કરી 50 ગ્રામ જેટલી માત્રામાં પીવડાવવાનો આરંભ છઠ્ઠી માર્ચથી કરાયો, જેનો તા. 26-3 સુધીમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા ધરાવનારા 62 હજાર લોકોએ સેવન કર્યું છે. લોકડાઉનનાં પગલે લોકો એકત્ર ન થાય તે માટે ઉકાળા વિતરણમાં ફેરફાર કરાયો છે. તેના પેકિંગમાં કુલ્લ 200 કિલોથી વધુ ઉકાળાના રો મટીરિયલનું વિતરણ વિનામૂલ્યે ઘરોઘર કરાયું છે. આ ઉકાળો ગુજરાતના આરોગ્ય વિભાગ અને ગુજરાતના આયુષ નિયામક દ્વારા રાજપીપળા સ્થિત સરકારી ફાર્મસી દ્વારા ફાળવાય છે. વસંતઋતુ હાલે ચાલુ થઈ હોવાથી આ ઋતુમાં કફનો પ્રકોપ થાય. એટલે શરદી, ઉધરસ અને જ્વર થવાની સંભાવના રહે તે વચ્ચે વિષાણુજન્ય સંક્રમણ રોગ થઈ ભળી જાય તો દવા તો થાય પણ આયુર્વેદનો મૂળ સિદ્ધાંત છે કે `રોગને આવતો અટકાવવો'. ભુજ સ્થિત સરકારી આયુર્વેદ હોસ્પિટલ (અગાઉ જ્યુબિલી હોસ્પિટલ તરીકે ઓળખાતી) તે રોજિંદા 100થી વધુ દર્દી ઓપીડીમાં સામાન્યત: આવતા. લોકડાઉન બાદ દર્દીઓની સંખ્યા 30થી 35 થઈ ગઈ છે. તેનું એક કારણ એ છે કે દર્દીને જરૂરિયાત મુજબ બેથી ત્રણ સપ્તાહની દવા એકસાથે આપી દેવાતી હોય છે. અમૃતપેયના રો મેટીરિયલના પેકેટ વિતરણમાં આયુર્વેદિક દવાખાનાને ગામની પંચાયત આજુબાજુના ગામ અને આશા બહેનોનો સહયોગ મળે છે. જ્યારે છઠ્ઠી માર્ચથી તૈયાર કરીને ઉકાળો પીવડાવવાના વિવિધ જગ્યાએ પોઈન્ટ વિવિધ સેવાભાવી સંસ્થાના સહયોગે શરૂ થયા હતા. જેમાં મુખ્યત્વે માનવજ્યોત, લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ, રઘુનાથ ટ્રસ્ટ, સત્યમ, માધાપર યુવક મંડળ, સુખપર ગ્રામ પંચાયત, ભુજ નગરપાલિકા, કાનૂની સેવા સત્તા મંડળ, પાલારા ખાસ જેલ વગેરેનો ઉલ્લેખનીય ફાળો રહ્યો હતો. હોમિયોપેથીના ડોઝ વિશે વિગતો આપતાં મૂળ ભુજના પંચકર્મના તજજ્ઞ ડો. કમલેશભાઈ કહે છે કે, આર્સનિક આલ્બા-30ની ચાર-ચાર ગોળી સવાર સાંજ ત્રણ દિવસ માટે અપાય છે. જેના મુખ્ય વિતરણ હોપિયોપેથીના 14 દવાખાના ઉપરાંત જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી સહિત અધિકારી, કર્મચારીઓ વગેરેએ લાભ લીધો હતો. જિલ્લા ન્યાયાલય, જિલ્લા પાલારા અને ગળપાદર જેલ ફરજ બજાવતા પોલીસ, ઉપરાંત ભુજ, માંડવી અને રાપર તેમજ આજુબાજુના વિસ્તારના લોકોને ડોઝ અપાયા છે. સરકારી આયુર્વેદિક દવાખાના 21 પૈકી લખપત ભૂકંપ બાદ બંધ હાલતમાં છે. ભુજમાં જી.કે. જનરલ હોસ્પિટલ, તાલુકામાં સુખપર, લોડાઈ, હાજાપર, નખત્રાણા અને તાલુકામાં રામપર (રોહા) અબડાસામાં જખૌ, ચિયાસર, સાંધવ, ભારાપર (ધુફી), લખતપમાં બરંદા, અંજારમાં ચંદિયા અને વરસામેડી, ગાંધીધામ, મુંદરા તા.માં દેશલપર (કંઠી) અને કુંદરોડી, માંડવી તા.ના મોટા રતાડિયા, ભચાઉ તા.ના કથકોટ તથા મેઘપર અને રાપર તા.ના સણવા ખાતે આવેલા છે. સરકારી હોસ્પિટલના 14 દવાખાના છે જે માટે ભુજમાં જી.કે. આયુર્વેદ હોસ્પિટલ અને માનવજ્યોત, પીપર (લખપત), સુથરી (અબડાસા), પત્રી (મુંદરા), રાજ્ય તથા મસ્કા (માંડવી), નવા ગામ અને વીરા (અંજાર), શિકારપુર અને જંગી (ભચાઉ) તેમજ રાપર સીએચસી ખાતે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer