ભુજ સુધરાઇના મુખ્ય અધિકારી- કાર્યકર વચ્ચે ચકમક

ભુજ સુધરાઇના મુખ્ય અધિકારી- કાર્યકર વચ્ચે ચકમક
ભુજ, તા. 27 : શહેર સુધરાઇ ખાતે આજે કાર્ડ વિતરણ સમયે શેરી ફેરિયાના બે જૂથ વચ્ચે તથા મુખ્ય અધિકારી અને શેરી ફેરિયા સંગઠનના સંયોજક વચ્ચે ચકમક જરી હતી. જો કે, બાદમાં આ કામગીરી સ્થગિત કરી અને મામલતદાર કચેરી ખાતે શરૂ કરાઇ હતી. એક તબક્કે વાત પોલીસ ફરિયાદ સુધી પહોંચી હતી પરંતુ હાલની પરિસ્થિતિ ધ્યાને લઇ માંડી વળાયું હતું.ભુજ સુધરાઇ ખાતે આજે કાર્ડ વિતરણ કરાતું હોવાનું જાણવા મળતાં 150 આસપાસ શેરી ફેરિયા એકત્ર થઇ ગયા હતા. શેરી ફેરિયાઓનાં બે જૂથ હોવાથી પ્રાથમિકતા આપવાના મામલે બન્ને જૂથ વચ્ચે ચકમક જરી હતી અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.આ દરમિયાન, સામાજિક કાર્યકર અને શેરી ફેરિયા સંગઠનના સંયોજક મહમદ લાખા અને મુખ્ય અધિકારી આમનેસામને આવી ગયા હતા અને ઉશ્કેરણી ન ફેલાવવા જણાવી મુખ્ય અધિકારીએ મહમદ લાખાને સંકુલ બહાર ચાલ્યા જવા કહ્યું. આ અંગે મહંમદભાઇએ જણાવ્યું કે, મુખ્ય અધિકારીએ તેમને ધક્કે ચડાવી લોકોને ઉશ્કેરતા હોવાનું આળ લગાવ્યું હતું. હકીકતે તેઓ ફેરિયાઓને કાર્ડના ફાયદા સમજાવવા તથા તંત્રને મદદરૂપ બનવા ગયા હતા. એક તબક્કે તેઓ મુખ્ય અધિકારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા હતા પરંતુ વિપક્ષના અગ્રણીઓએ તેમને સમજાવી હાલની પરિસ્થિતિમાં આવું પગલું ન ભરવા કહેતાં માંડી વાળ્યું હતું. જો કે, મુખ્ય અધિકારી નીતિન બોડાતનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, કરિયાણા અને મેડિકલવાળાને જ પાસ આપવાના હતા તેમ જણાવવા છતાં લાખાભાઇએ વાણિયાવાડના તમામ ફેરિયાઓને બોલાવી ઉચ્ચકક્ષાએ ફોન કરવા સહિતની ઉશ્કેરણી સાથે વ્યવસ્થા ખોરવતા હોવાથી બહાર કઢાયા હતા. અલબત્ત, પ્રાંતની સૂચના અનુસાર મામલતદારની ટીમ જે તે વિસ્તારમાં ફરતા ફેરિયાઓને સ્થળ પર જ કાર્ડ ફાળવાશે. પરંતુ એક વિસ્તારમાં ચારથી વધુ ફેરિયાઓને છૂટ નહીં અપાય. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer