ચોવીસીના ગામોમાં ખેડૂતોએ કૃષિપંપના ઉપયોગથી શેરીઓમાં દવાનો છંટકાવ કર્યો, પોલીસે કતાર શીખવી

ચોવીસીના ગામોમાં ખેડૂતોએ કૃષિપંપના ઉપયોગથી શેરીઓમાં દવાનો છંટકાવ કર્યો, પોલીસે કતાર શીખવી
કેરા (તા.ભુજ), તા. 27 : તાલુકાના પટેલપટ્ટીના ગામો વિદેશ સાથે નાતો ધરાવતા હોઈ તંત્ર માટે હાઈ એલર્ટમાં છે.ક્વોરોન્ટાઈન કરાયેલા મકાનો-શેરીઓની વિશેષ સફાઈ, દવા છંટકાવ સાથે માધાપર, સુખપર, ભારાસર, માનકૂવા ગામોમાં વિશેષ તકેદારી લેવાઈ છે, જેમાં ગ્રા. પંચાયતો સક્રિય બની છે. માધાપરના અગ્રણી અરજણભાઈ ભુડિયાએ કહ્યું હતું કે, વથાણ, દરેક ચોક, શેરીઓમાં દવા છંટકાવ કરાયો હતો. દેશી સમજ સાથે દાડમમાં દવા છાંટવાના કૃષિ ટ્રેક્ટર પંપથી ખેડૂતો કામે લાગ્યા જોઈ લોકોએ જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા. દરમ્યાન સુખપરના અગ્રણી માવજીભાઈ રાબડિયાના નેતૃત્વમાં ગ્રા.પંચાયત, તાલુકા સભ્યો સહિયારા પ્રયાસોથી સફાઈ વિષાણુ મુક્તિ માટે પ્રયાસ કર્યો હતો. સુખપરમાં જાગૃત યુવાનો પણ જોડાયા હતા. માનકૂવા પોલીસ થાણા દ્વારા ચોવીસીના સમાવિષ્ટ ગામોમાં માઈક દ્વારા જાગૃતિ ફેલાવવા સાથે વાહનો તપાસ્યા હતા. સુરજપર ગામે ઓટલા પર બેસનારને હટાવાયા હતા. પી.આઈ. કે. બી. વિહોલ અને પી.એસ.આઈ. વાય. બી. રાણા તથા સ્ટાફે માનકૂવા ગામમાં કરીયાણાની દુકાનો પર અભણ લોકોને એક મીટર અંતરે ઊભા રાખવા યોગ્ય અંતરે વર્તુળો કરી ઉભવા શીખવાડયું હતું. જાગૃત નાગરિકોએ આ રીતની પ્રશંસા કરી હતી. દિવસ દરમ્યાન પેટ્રોલિંગ કરાયું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer