ગાંધીધામમાં અવિરત સેનિટાઇઝેશન

ગાંધીધામમાં અવિરત સેનિટાઇઝેશન
ગાંધીધામ, તા. 27 : લોકડાઉનનાં પગલે અમુક દુકાનોને બાદ કરતાં આ શહેરમાં બધું બંધ રહ્યું હતું. ત્યારે પાલિકા દ્વારા રાત્રે અને દિવસ દરમ્યાન જુદા-જુદા વિસ્તારોમાં સફાઇ તથા સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું. તાલુકાના ગામડાંઓમાં દુકાનો બંધ કરાવાઇ હતી અને જનજાગૃતિનો પ્રચાર પ્રસાર કરાયો હતો. જનતા કફર્યુ બાદ જિલ્લાની સાથે અહીં પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. અહીંની મુખ્ય બજાર, સેકટર વિસ્તાર અને સરકારી કચેરીઓમાં ગઇકાલે પાલિકા દ્વારા સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું. દરમ્યાન રાત્રિના ભાગે મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેમજ આજે સવારથી પાંચ મશીનો સાથે ભારતનગર, જનતા કોલોની, 9-બી. ગણેશનગર. વાવાઝોડા કેમ્પ વગેરે વિસ્તારોમાં સેનિટાઇઝેશન કરવામાં  આવ્યું હતું તેમજ આજે સવારથી સફાઇ ઝુંબેશ પણ હાથ ધરાઇ હતી તો પાલિકા દ્વારા પાંચ જગ્યાએ લગાડાયેલા હાથ ધોવાના મશીનોનો પણ લોકોએ લાભ લીધો હતો. આ સિવાય પાલિકાની અન્ય ટીમો શહેર સંકુલમાં ફરી હતી અને જે દુકાનો ખુલ્લી નજરે પડી હતી તેવી દુકાનો પણ બંધ કરાવાઇ હતી. તેમજ તાલુકાના પડાણા, મીઠી રોહર, ખારી રોહર, ગળપાદર, અંતરજાળ, કિડાણા અને શિણાય ગામમાં જનજાગૃતિ માટે બેનર લગાવાયા હતા. આ તમામ ગામોમાં રિક્ષા ફેરવીને પણ લોકોને કોરોના વાયરસ અંગે માહિતગાર કરાયા હતા અને સરકારની સૂચનાઓનો અમલ કરવા જણાવાયું હતું. અમુક ગામોમાં મંદિર કે મસ્જિદ પરથી પણ પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. હાલમાં આ તાલુકાના ગામડાંઓમાં કોઇ શંકાસ્પદ કેસ આવ્યો નથી જેથી અહીં સેનિટાઇઝેશન કરાયું નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer