કચ્છમાં સેવાભાવીઓએ માનવતા મહેકાવી

કચ્છમાં સેવાભાવીઓએ માનવતા મહેકાવી
ભુજ, તા. 27 : કોરોનાના કહેરને નાથવા લદાયેલા લોકડાઉનને પગલે સંકટમાં મુકાયેલા જરૂરતમંદોને જીવનજરૂરી વસ્તુઓ પૂરી પાડવા માટે કચ્છભરમાં સેવાભાવીઓ આગળ આવી માનવતા મહેકાવી રહ્યા છે.માનવજ્યોત : ઘરની કમાવનારી વ્યકિત ઘરમાં પુરાઇ રહેતાં અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. હાલના તબક્કે રાશનકિટ, તૈયાર  ભોજનની ખાસ જરૂરત ઊભી થઇ છે.  જિલ્લા વહીવટીતંત્ર પણ વ્યવસ્થા ગોઠવી રહ્યું છે.  મંદિર ટ્રસ્ટો, યુવક મંડળો, મહિલા મંડળો, સંસ્થાઓ તથા અન્ય ટ્રસ્ટો જરૂરતમંદ લોકોની મદદે આવ્યા છે. કપિરાજ હનુમાનજી મંદિર મિરજાપરના તરુણભાઇ દરજી, હર્ષદભાઇ સુથાર અને મિત્રોએ  200 લોકો માટે ગરમ ખારીભાત તેમજ અન્ય બે મહિલાઓએ 100 લોકો માટે ખારીપુરી બનાવી માનવજ્યોત સંસ્થાને આપતાં સંસ્થાએ આ પુરી-ખારીભાત જરૂરતમંદ લોકો સુધી પહોંચાડી હતી. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રફીક બાવા, રસિક જોગી, રાજુ જોગી તથા ઇરફાન લાખા અને ટીમે સંભાળી હતી. હિન્દુ યુવા સંગઠન ભારત :કચ્છમાં અંત્યોદય-ગરીબ, મજૂર વર્ગને રાશનકિટ તેમજ તૈયાર જમવાની વ્યવસ્થા કરાઇ રહી છે.માંડવી વિસ્તારમાં 200 ઉપર રાશનકિટોનું વિતરણ કરાયું છે. ભુજમાં બપોર અને સાંજે ગરીબ લોકોને તૈયાર ભોજન ટિફિનમાં ભરીને પહોંચાડવામાં આવે છે.ગાંધીધામ, અંજાર, લખપત અને અબડાસા વિસ્તારમાં પણ રાશનકિટ તેમજ જીવન    જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ ઉપરાંત સૌરાષ્ટ્રમાં  વેરાવળ, માંગરોળ, ઉના, સુત્રાપાડામાં પણ ભોજનની વ્યવસ્થા કરાઇ?છે. 20થી વધુ ગુજરાતના શહેરોમાં  હિન્દુ યુવા સંગઠન ભારત તરફથી હિન્દુ હેલ્પલાઇનની જાહેરાત કરીને સહાયતા કરાઇ રહી હોવાનું રાષ્ટ્રીય અધ્યક્ષએ જણાવ્યું હતું. ભુજમાં ક.વી.ઓ. જૈન મહાજન અને શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ)ના અધ્યક્ષ તારાચંદભાઇ છેડાની પ્રેરણાથી અને માર્ગદર્શન હેઠળ ભુજમાં વરસતા વરસાદ વચ્ચે સંઘના ટ્રસ્ટી પ્રબોધભાઇ મુનવરની આગેવાનીમાં 500 જેટલા પરિવારોને  ખીચડીની પાંચ કિલોની કિટ અપાઇ હતી.હજી પણ આવા પરિવારોને જોઇતી મદદ કરાશે તેવું યુવા પાંખના ઉપપ્રમુખ જિગરભાઇ છેડાએ જણાવ્યું હતું. કિટ વિતરણ અમિતભાઇ વોરા, રિતેશભાઇ છેડા, અંકિત ગાલા, હરનીશ મહેતા અને કાર્યકર જોડાયા હતા.મુખ્યમંત્રી રાહતનિધિમાં એક લાખખનું દાનમાંડવી તાલુકાના નાની ખાખરના વતની અને મુંબઇ, દેવલાલી અને ભુજને કર્મભૂમિ બનાવનારા રમેશભાઇ માધવજી ગોર તરફથી મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં રૂા. એક લાખનો ચેક અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાને અર્પણ કરાયો હતો. બ્રહ્મસમાજના અગ્રણી જયપ્રકાશ ગોર ઉપસ્થિત રહ્યા હતા.સત્યમ અને લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ : શ્વાનો, પંખી અને ગાયોની સેવા ઉપરાંત ઝૂંપડે જઈ સવારે ચા, નાસ્તો, અખબારો, નાના બાળકો માટે રમકડાં અપાય છે. દર્શન વૈશ્નવ, જાગૃતિબેન કેતન અંતાણી, ભાવનાબેન માંકડ, ભાસ્કરભાઈ માંકડ, કુ. કવિતા મીરાં સચદેની સ્મૃતિમાં  ધારાશાત્રી શંકરભાઈ સચદે, અરવિંદ મંગે, ધવલ ધોળકિયા, હેમેન્દ્ર જણસારી, દર્શક અંતાણી સહયોગ આપે છે. ભુજ સુધરાઈ : શહેરમાં સફાઈ, ગટર અને દવા છાંટવાનું કામ કરતા ચોથા વર્ગના સફાઈ કામદારો સહિતને આશરે 200ને સવારે રાશનકિટ સાથે માસ્ક અપાયાં હતાં. નગરસેવા સદનમાં રાશનકિટનું વિતરણ ભુજ કોમર્શિયલ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર ધીરેનભાઈ ઠક્કરના વડપણ હેઠળ કરાયું હતું. સત્યમના દર્શક અંતાણીએ વ્યવસ્થા સંભાળી હતી. વેપારીઓની બનેલી ટીમમાં ધીરેનભાઈ સાથે ઉદય કિશોર ઠક્કર, કપિલ જમનાદાસ ઠક્કર, વિનોદ રેલોન, સાગર જિતેન્દ્ર ઠક્કર, અંકિત વીરેન્દ્ર ઠક્કર, વિપુલ શાંતિલાલ ગણાત્રા સેવામાં જોડાયા હતા. સુધરાઈના કારોબારી ચેરમેન ભરત રાણા સહયોગી રહ્યા હતા.  માંડવી લેવા પટેલ સમાજ :?ગરીબોના રસોડાંની બે હજાર કિટનું વિતરણ કર્યું હતું. યુવક સંઘ પ્રમુખ વીરજીભાઈ છભાડિયાના જણાવ્યા મુજબ ચારેય કાંધાના લેવા પટેલોના સહયોગથી સમાજે સેવાનું આ કાર્ય શરૂ કર્યું હતું. 21 દિવસ આવા પરિવારોની પૃચ્છા કરાશે. જાયન્ટસ ગ્રુપ ઓફ અંજાર (મેઈન) : વિજયનગર વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં સાબુ, બિસ્કિટસ, અનાજ, ખાંડ, ચોખાનું વિતરણ કરાયું હતું. નવી દુધઈ (તા. અંજાર) : મીઠાઈ વિતરણ, ધાર્મિક પુસ્તકો અને રાશનનું દુધઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ માજીરાણા સાથે સ્ટાફે વિતરણ કર્યું હતું. ગામમાં ફોગિંગ મશીન દ્વારા દવા છંટકાવ અને સાફસફાઈ પણ કરાઈ રહ્યા છે. માતાનામઢમાં દયાપર પોલીસ સ્ટેશન દ્વારા ફૂટપાથ ઉપર રહેતા લોકોને અનાજની કિટ જેમાં લોટ, બે જાતની દાળ, મરચું, મીઠું, હળદર, ચોખા અને તેલનું વિતરણ પીએસઆઈ જે. પી. સોઢા, પૃથ્વીરાજસિંહ, કાનજીભાઈ, મુકેશ તરલ, ભાવેશભાઈ ખટાણા, મઢ ઓપીના જમાદાર જાવેદ મલિક સહિત સ્ટાફ જોડાયો હતો.નેત્રા (તા.નખત્રાણા) : દરજી સમાજના દરજી મહેશભાઈ કિશોરભાઈ છેલ્લા ચાર દિવસથી સતત માસ્ક બનાવી ગ્રામજનોને નિ:શુલ્ક વિતરણ કરી રહ્યા છે. ઈચ્છુકો દાનપાત્ર રૂપિયા આપશે તે ગાયોના ઘાસચારા માટે વાપરવામાં આવશે. માસ્ક બનાવા માટે મનોજ દરજી, આનંદ દરજી, નકુલ સોનીભાઈનો સહયોગ મળી રહ્યો છે. આજ સુધી 1200 માસ્ક બનાવ્યા છે. ભચાઉ : વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ : રાશનકિટ નવી ભચાઉ વિસ્તારમાં આપી હતી. કનકસૂરિ અહિંસાધામ ભચાઉ દ્વારા 4 ટ્રેક્ટર લીલોચારો ગાયોને અપાયો હતો. વનરાજસિંહ જાડેજા, અવિનાશ જોશી, હિંમતલાલ મેતા, અલ્પેશ પ્રજાપતિ, મહેશ સોની, કનકભાઈ વોરા,પ્રવીણ બારોટ, ભરતભાઈ દોશી વગેરેએ સહયોગ આપ્યો હતો. રાપરમાં પોલીસ અને વહીવટી તંત્રની સેવા : રાત-દિવસ કામગીરી કરતા કર્મચારીઓ માટે ચા-પાણી, નાસ્તા સહિતની સુવિધા રાપર મૂર્તિપૂજક જૈન સંઘ, દરજી સમાજ, માલી સમાજ, સામાજિક સંસ્થા દ્વારા અપાય છે. આજે પશુઓને ચારો  અપાયો હતો. રાપરમાં વિવિધ સંસ્થા : માલી સમાજના યુવાનો દ્વારા સેવા કરાઈ હતી. વસતીમાં જઈને લોકોને ઘરે ભોજન પૂરું પાડવામાં આવતું હોવાનું નીલેશ માલીએ જણાવ્યું હતું. જલારામ ગ્રુપ દ્વારા રાશનકિટ જરૂરતવાળાઓને પહોંચાડી હોવાનું શૈલેશ ભીંડેએ જણાવ્યું હતું. પોલીસ મિત્રોને અને નગરપાલિકાના સફાઈ કર્મીઓને બંને ટાઈમ ચા-બિસ્કિટનો નાસ્તો ભાવિન મીરાણી, ધર્મેશ શિયારિયા, શૈલેશ ચંદે, પાર્થ ઠક્કર વગેરે યુવાનો કરાવી રહ્યા છે. રાપર નગરપાલિકા દ્વારા સફાઈ અને દવા છંટકાવ અભિયાન સી.ઓ. મેહુલ જોધપુરાના માર્ગદર્શન હેઠળ સેનિટેશન ઈન્સ્પેક્ટર કિશોરભાઈ ઠક્કર અને તેમની ટીમ કરી રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer