ભુજમાં જથ્થાબંધ બજાર ખૂલતાં જ ચારેક હજાર લોકો એકત્ર થવાથી ડખો

ભુજ, તા. 27 : અનાજ કરિયાણા સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જળવાઇ રહે તે હેતુસર સરકારે આપેલી સૂચનાનાં પગલે  મામલતદારે અહીંની ભુજ જથ્થાબંધ બજારની 50 દુકાનો શરૂ કરવા આદેશ કર્યો હતો, પરંતુ આજે સવારે બિનજરૂરી ચારેક હજાર ખરીદારો અને મેળો જોનારા લોકો પણ ભેગા થઇ જતાં પોલીસને કડકાઇ કરવાની ફરજ પડી હતી.જથ્થાબંધ બજાર સમિતિના પ્રમુખ મેહુલભાઇ ઠક્કરનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, આજે વહીવટીતંત્રે 50 પાસ ઇસ્યુ કર્યા બાદ સવારે વેપારીઓ દુકાન ખોલે તે પહેલાં જ નાના વેપારીઓ ઉપરાંત એકલ દોકલ વેપારીઓ, ગૃહિણીઓ પણ એકત્ર થઇ ગયા હતા. એટલું જ નહીં એક એક દુકાનમાં 50-50 ગ્રાહકો ખડકાઇ ગયા હતા અને વાહનોનો પણ જમેલો થઇ ગયો હતો. એક તબક્કે જથ્થાબંધ વેપારીઓ ઘૂસી શકે તેટલી પણ જગ્યા બચી ન હોવાથી 144મી કલમનો ભંગ અને આરોગ્યનું જોખમ દેખાતાં પોલીસ અને તંત્રને જાણ કરાતાં પોલીસ દોડી આવી હતી અને શટરમાં ડંડા પછાડીને બધાને કાઢ્યા હતા. કંટાળીને વેપારીઓએ  લગભગ સાડા બાર વાગ્યે દુકાન બંધ કરી નાખી હતી. નવાઇની વાત તો એ છે કે, જેમને જથ્થાબંધ બજાર સાથે સંબંધ નથી તેવા લોકો તેલના 1-1 ડબ્બાની પૂછપરછ માટે ધસી આવ્યા હતા. આ અંગે હવે સમિતિએ સત્તાવાળાઓને એવી રજૂઆત કરી છે કે, નામજોગ પાસ આપે તેની જ દુકાનો પોલીસ રક્ષણ હેઠળ ચાલુ રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે. અન્ય દુકાનો તો ન જ ખૂલવી જોઇએ. તેમણે એવી ધરપત આપી હતી કે, બજારમાં માલની ખોટ નથી અને ખૂટે તેમ પણ નથી એટલે લોકોએ ખોટી ગિરદીથી બચવું જોઇએ. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer