કોરોના વચ્ચે તિજોરી કચેરીએ એક માસમાં 3.70 અબજ ચૂકવ્યા

ભુજ, તા. 27 : કોરોના વાયરસની મહામારી વચ્ચે અહીંની જિલ્લા તિજોરી કચેરીએ માર્ચ માસ દરમ્યાન 3.70 અબજના બિલોની ચૂકવણી કરી છે. તેમ આ કચેરીને એક જ માસમાં 2.56 અબજની આવક થઇ હતી. તો શનિ-રવિવારના રજાના દિવસે પણ કચેરી ઓછા સ્ટાફ વચ્ચેય ચાલુ રહેશે. જિલ્લા તિજોરી અધિકારી એમ. એન. બાદીએ આપેલી વિગતો મુજબ હાલની વર્તમાન પરિસ્થિતિમાં એક પછી એક કચેરીઓ બંધ?થઇ રહી છે ત્યારે સરકારી કચેરીઓના બિલો અટકે નહીં તે માટે કાર્યરત અહીંની જિલ્લા તિજોરી કચેરીમાં કર્મચારીઓ દ્વારા રોટેશન પદ્ધતિથી કામગીરી કરી ગત 1લી માર્ચથી આજ સુધી લગભગ 3,70,19,19,467ના પગાર, એરિયર્સ, ભથ્થાં, લીવ, ઇનકેશમેન્ટ, આંગણવાડીઓ, મધ્યાહ્ન ભોજનની કન્ટીજન્સી, ખેડૂતોની સબસિડી, છાત્રોની સ્કોલરશીપ, સરકારની યોજનાકીય ગ્રાંટો વગેરે સહિતના ચૂકવણા કર્યા હતા.જ્યારે આ માસ દરમ્યાન તિજોરી કચેરીમાં જમીન મહેસૂલ, સેલ્સ ટેક્સ, વાહન કર, મનોરંજન કર, મેડિકલ રિસિપ્ટ, વીમો, લાયસન્સ ફી, સ્ટેમ્પ ડયુટી, વ્યવસાય વેરા પેટે રૂા. 2,56,34,85,491ની આવક થઇ હતી. દરમ્યાન, આવતીકાલથી શનિ-રવિવારની રજા હોવા છતાં આ કચેરી ચાલુ રહેશે તેમજ સોમવારે બપોરે 3 વાગ્યા સુધી બીલો સ્વીકારવામાં આવશે તેવું યાદીમાં જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer