માર્ચ એન્ડિંગ પર પણ કોરોનાનો પ્રભાવ

ભુજ, તા. 27 : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસની ભારતમાં ઘાતક અસર નિવારવા માટે દેશ વ્યાપી લોકડાઉન જારી કરી દેવાયું છે ત્યારે કોરોનાનો પ્રભાવ માર્ચ એન્ડિંગ એટલે કે હિસાબી વર્ષની સમાપ્તિની કામગીરી પર પણ વર્તાયો છે.કચ્છની વાત કરીએ તો અહીં સામાન્ય રીતે 31 માર્ચનો સમયગાળો જેમ જેમ નજીક આવે છે તેમ તેમ લક્ષ્યાંક પૂર્તિની સાથે ફાળવાયેલી ગ્રાન્ટનો પૂરો વપરાશ થઇ જાય અને ગ્રાન્ટ લેપ્સ ન જાય તે તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની કામગીરી પરાકાષ્ઠાએ પહોંચતી હોય છે. આ વખતે કોરોનાના લીધે દરવર્ષ કરતાં અલગ જ સિનારિયો જોવા મળી રહ્યો છે, જ્યારે આ કામગીરીનો ધમધમાટ વેગવંતો બનવાનો હતો બરોબર તે જ સમયે લોકડાઉનની જાહેરાત થતાં માર્ચ એન્ડિંગના કાર્ય પર લગભગ બ્રેક લાગી ગઈ છે.એકલા માર્ચ માસમાં જિલ્લા તિજોરી કચેરીએથી 350થી 400 કરોડનું ચૂકવણું કરાતું હોય છે. આ વખતે માર્ચના પ્રથમ પખવાડિયાથી કોરોનાએ  ફફડાટ ફેલાવવાનું શરૂ કરતાં તમામ તંત્રો  તેની જ સંભાવનાને ખાળવાના પ્રયાસમાં પરોવાઇ ગયા છે. સંભવત: માર્ચ એન્ડિંગની કામગીરીને લઇ કોઈ રાહતરૂપ જાહેરાત થવાની સંભાવના વચ્ચે હાલ તો તિજોરી કચેરી હોય કે બેન્ક સર્વત્ર ધમધમાટના બદલે સૂનો માહોલ ભાસી રહ્યો છે.આ તરફ જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં વેરા-વસૂલાત ઝુંબેશ લગભગ સ્થગિત જેવી થઇ ગઇ છે. મોટા ભાગની કચેરીઓમાં રજા જાહેર કરી દેવાતાં હવે તો આ કાર્ય થાય તેવી સંભાવના નહિવત્ જણાઇ રહી છે. આવનારા દિવસોમાં આ કાર્ય આગળ ધપે તેવા હાલમાં તો કોઇ સંજોગો જણાતા નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer