વાગડમાં બહારથી આવેલા પર પગલાંની માંગ

રાપર, તા. 27 : સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે આતંક મચાવ્યો છે ત્યારે દેશમાં પણ દિવસે-દિવસે કોરોના વાયરસના બનાવો વધી રહ્યા છે ત્યારે રાજ્યમાં પણ બનાવો વધી રહ્યા છે અને કોરોનાના પોઝિટિવ કેસ વચ્ચે કચ્છ જિલ્લામાં વહીવટી તંત્ર કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવતું નથી. તંત્રે એલર્ટ જાહેર કરી દીધું છે અને આડેસર અને સુરજબારી પાસે સમગ્ર જિલ્લલામાં પ્રવેશ બંધી ફરમાવી છે ત્યારે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તાર મુંબઈ, પુના, સુરત સહિતના વિસ્તારમાંથી પંદર હજારથી વધુ વાગડવાસીઓએ માદરે વતન આવી ગયા છે. આ લોકોએ સંક્રમણમાં છે કે કેમ તે અંગે કોઈ પણ પ્રકારની તપાસ કરાવી નથી. વાગડના લગભગ ગામોમાં મુંબઈગરા અને અન્ય રાજ્યોમાંથી આવેલા વાગડવાસીઓ જોવા મળે છે તેવી માહિતી મળી હતી. ગામે ગામ જે તે ગામના તલાટીઓ અને વહીવટી તંત્ર, પોલીસ તંત્ર દ્વારા સર્વે હાથ ધર્યો છે અને હવે તંત્ર દ્વારા આવા સંભવિત સંક્રમણમાં આવેલા કોરોનાના સંક્રમણમાં છે કે કેમ તે અંગે વહીવટી તંત્રએ ગામે ગામ ડોર ટુ ડોર પગલાં લેવા માટે તૈયારી કરી રહી છે. આજે રાપર શહેરમાં સવારે નવથી બાર વાગ્યા સુધી લોકોને જીવન જરૂરી ચીજવસ્તુ ખરીદી કરવા માટે છુટ આપવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ તંત્ર અને વહીવટી અધિકારીઓએ સખ્ત રુખ અપનાવી જડબેસલાખ બંધનો અમલ કર્યો હતો. જાહેરનામાના ભંગ બદલ પગલાં પણ લીધાં હતાં. આજે રાપર શહેરના તમામ વિસ્તારોમાં ફોગિંગ મશીન દ્વારા દવાઓનો છંટકાવ કર્યો હતો અને છંટકાવ દરરોજ કરવામાં આવશે તેવું જણાવાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer