ગઢશીશાનાં મહિલાનાં કાર્ડની વિગતો જાણી 25 હજાર સેરવાયા

ગઢશીશા (તા. માંડવી), તા. 27 : કોરોના વાયરસની મહામારીનાં પગલે તંત્ર અને સરકાર દ્વારા લોકોને ઘરોમાંથી બહાર ન નીકળવાની અપીલ અને `લોકડાઉન'ની પરિસ્થિતિમાં ગઢશીશાની મહિલાનાં એટીએમ કાર્ડની વિગતો ફોન પર મેળવી 25 હજાર સેરવી લેવાયા છે. આમ આવી પરિસ્થિતિ વચ્ચે પણ ચાલબાજો સક્રિય હોવાનું દેખાય છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગઢશીશાની બહાર ઉમાનગરમાં રહેતા વર્ષાબેન પ્રકાશભાઈ મિત્રી નામનાં મહિલાના ખાતામાંથી 25 હજાર સેરવી સાયબર ક્રાઈમનો ગુનો સામે આવ્યો છે. ભોગ બનનારના પતિ પ્રકાશભાઈ મિત્રીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, અંદાજિત અગિયાર વાગ્યાના સમયે 90651 76964 નંબર પરથી ફોન આવેલો અને એ.ટી.એમ. કાર્ડ વિશે અમુક માહિતી મેળવી અને બેંક ઓફ બરોડા, દેના બેંક ગઢશીશા શાખાના ખાતામાંથી રૂા. 25000 સેરવી લીધા હતા. આ અંગે પ્રકાશભાઈને શંકા જતાં તેમણે તરત બેંકમાં જઈ તપાસ કરતાં જાણવા મળ્યું કે બેંક ખાતામાંથી રૂા. 25000 ઉપડી ગયાં છે.આ અંગે ભોગ બનનારે પોલીસ ખાતામાં અરજી આપવા સાથે સાયબર ક્રાઈમ વિભાગને પણ જાણ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ અંગે ગઢશીશા પી.આઈ. આર.ડી. ગોજિયાએ આવા બનાવ અટકાવવા આવી ગુપ્ત માહિતી-નંબર ફોન પર અજાણી વ્યક્તિઓને ન આપવા ખાસ અનુરોધ કર્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer