જિલ્લાની વાજબી ભાવની બધી દુકાનો ખુલ્લી

ભુજ, તા 27 : પ્રવર્તમાન કોરોના વાયરસ કોવિડ-19ના કારણે અપાયેલા લોકડાઉનની અવધિ દરમ્યાન જાહેર જનતાના હિત માટે કચ્છ જિલ્લામાં સરકારી તેમજ ખાનગી દુકાનો દ્વારા ઘરગથ્થુ આવશ્યક ચીજોની દુકાનો ખુલ્લી છે.કચ્છમાં પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હેઠળ તમામ વાજબી ભાવની દુકાનો પરથી ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ તમામ કાર્ડધારકોને અનાજ મળે છે. આ તમામ કાર્ડધારકોને એપ્રિલ-2020નું અનાજ વિનામૂલ્યે મળશે. અગ્રતા ધરાવતા તમામ કુટુંબોને વ્યક્તિદીઠ 3.પ કિલો ઘઉં, 1.પ કિલો ચોખા, 1કિલો મીઠું, 1 કિલો ખાંડ તથા 1 કિલો ચણાદાળ મળવાપાત્ર છે. જિલ્લાના તમામ વાજબી ભાવના દુકાનદારો, દુકાનમાં કામ કરનાર તોલાટ અને કોમ્પ્યુટર ઓપરેટરોને સંબંધિત મામલતદાર દ્વારા ઓળખપત્ર આપવામાં આવેલાં છે. આવશ્યક ચીજવસ્તુઓ માટે રિટેલ શોપ અને પ્રોવિઝનલ સ્ટોર્સ ખુલ્લા રાખવાના પાસ મામલતદારે વિતરણ કર્યા હતા. જિલ્લામાં ખાનગી હોલસેલ વેપારીઓને પણ કાર્ડ ઈસ્યુ થયા છે. તેમની દુકાનો ખુલ્લી રહેશે. ખાનગી હોલસેલના વેપારીઓ નાના વેપારીઓને સપ્લાય કરશે એમ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer