કચ્છમાં સસ્પેન્ડ કરાયેલા સુરક્ષા કર્મચારીઓને પરત લેવા ચાલતી ચર્ચા

ભુજ, તા. 27 : કચ્છ જિલ્લામાં સસ્પેન્ડ કરાયેલા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનોને મહત્ત્વની ચાલતી  ફરજ ઉપર લેવા જોઈએ તેવી એક ચર્ચા લોકોમાં જોરશોરથી ચાલી રહી છે ત્યારે આ બાબતે ઉચ્ચકક્ષાએથી યોગ્ય કાર્યવાહી થાય તેવી લોકોમાંથી લાગણી અને માગણી ઉઠી છે. આ અંગે જાણવા મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ તેમજ હોમગાર્ડસ અને જી.આર.ડી.ના જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે ખરેખર હાલની પરિસ્થિતિને અનુલક્ષી પોલીસનું સંખ્યાબળ ઓછું હોવાના લીધે તેમજ કોરોના વાયરસને ધ્યાનમાં રાખી આ સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓને તાત્કાલિક ધોરણે ફરજ ઉપર હાજર થવા આદેશ આપવો આવશ્યક બની ગયો છે. કેમ કે હાલની પરિસ્થિતિ અને ગંભીરતાને ધ્યાને લઇ એક તરફ પોલીસનું સંખ્યાબળ ઓછું છે ત્યારે બીજી તરફ પોલીસ, હોમગાર્ડ અને જી.આર.ડી.ના જવાનોને સસ્પેન્ડ કરાયા છે, પરંતુ ઘણો સમય થઈ ગયો હોવાથી અને હાલમાં ઈમરજન્સી બંદોબસ્તને ધ્યાને લઇ આવા કર્મચારીઓને પોતાની ફરજો ઉપર હાજર થવા માટે ઉચ્ચ કક્ષાએથી આદેશ કરવો જોઈએ તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે જેથી કાયદો અને વ્યવસ્થા કડક બની રહે. આ તરફ સરકારે તેમજ કચ્છના આગેવાનોએ પણ આ બાબતે યોગ્ય ધ્યાન આપવું જરૂરી બન્યું છે ત્યારે જોવાનું એ રહે છે કે શું આ મહત્ત્વના બંદોબસ્તમાં સસ્પેન્ડ કરાયેલા પોલીસ-હોમગાર્ડ, જીઆરડીના સભ્યોને પુન: ફરજ પર લેવાશે કે નહીં. જ્યારે આ કર્મચારીઓને મોંઘવારીમાં રોજીરોટી મળી રહે અને સરકારને સુરક્ષા કર્મચારીઓ મળી રહે ત્યારે આ બાબતે વિચારવું જરૂરી બન્યું છે એવું ખુદ પોલીસ દળમાં ચર્ચાઈ રહ્યું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer