થોકબંધ મતો લઇને જીતેલા પાસે ખરા સમયે હારી ગયાની લાગણી અનુભવતા અનેક નાગરિકો

ભુજ, તા. 27 : ભૂકંપની જેમ આ કોરોના વાયરસની ગભરાટભરી સ્થિતિમાં નાગરિકો જેમને થોકબંધ મતો આપીને પોતાના વોર્ડના નગરસેવક તરીકે  ચૂંટે છે અને વડાપ્રધાનની સાથે જેઓ પોતે પણ  સોશિયલ મીડિયા પર `મૈં ભી ચોકીદાર' લખે છે તેવા ચોકીદાર હાલ ક્યાં છે ? આ પ્રશ્ન શહેરના એવા સાધનસંપન્ન અને બૌદ્ધિકવર્ગમાંથી આવ્યો છે કે, જેમણે જિંદગીમાં આજદિન સુધી નગરસેવક પાસેથી કોઇ કામ જ લીધું નથી, માત્ર મત આપ્યા છે. હવે એમને જરૂરત છે ત્યારે આ કહેવાતા સેવક કે ચોકીદાર નથી ફોન ઉઠાવતા કે નથી ક્યાંયે દેખાતા. જિલ્લામથક ભુજ સહિતની સુધરાઇઓ તથા તેના સફાઇ કામદારો હાલ વ્યસ્ત છે પણ તેમાં નગરસેવકોનું ઇન્વોલ્વમેન્ટ ક્યાંયે દેખાતું નથી. હોસ્પિટલ રોડ પર ગટર હોય કે રિલોકેશન સાઇટ પરની જીવનજરૂરી ચીજવસ્તુઓની વાત હોય, જ્યારે જ્યારે જાગૃત નાગરિકોએ પોતાના નગરસેવકનો સંપર્ક કર્યો તો પત્તો જ મળતો નથી, પાછી નવાઇની વાત એ છે કે, આ કહેવાતા ચોકીદારોના  વોટ્સએપ પણ એક્ટિવ છે. આર.ટી.ઓ. રિલોકેશન સાઇટથી ઉપરના ભાગમાં અમુક વિદેશથી  આવેલા નાગરિકોને  એમનાં જ `ભાડા'ના મકાનમાં ક્વોરેન્ટાઇન કરાયા છે, તો નાના યક્ષ સંકુલમાં પણ આવા શંકાપ્રેરક વિદેશથી આવતા કે સંપર્ક-સંસર્ગની સંભાવનાવાળાઓને `અલાયદા' રાખવામાં આવ્યા છે. આવા લોકો જાહેરમાં નીકળે છે અને આ અંગે સુધરાઇમાં કે નગરસેવકોની મદદ માગવામાં આવે છે તો `અસહાયતા' દર્શાવાય છે. શાકભાજી-પીવાનું પાણી અને રોડલાઇટ માટે અનેક નગરસેવકોનો સંપર્ક સાધવામાં આવ્યો છે પણ પરિણામ શૂન્ય જ આવ્યું છે. જો ખુદને માત્ર કમાવા માટે જ `ચોકીદાર' કે `સેવક' કહેતા હોય તો આવા તમામ કાઉન્સિલરોને નામજોગ ઉઘાડા પાડવાની પણ?જાગૃતો તૈયારી કરી રહ્યા?છે. અમુક ફોન પણ રેકોર્ડિંગ કરાયા છે, જેમાં નગરસેવકો આપસી ખટરાગના લીધે ન નીકળતા હોવાનું કહેતાં સંભળાય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer