દીનદયાળ બંદરે કામદારોની સ્વાસ્થ્ય સુરક્ષાનો પ્રશાસન સત્વરે પ્રબંધ કરે

ગાંધીધામ, તા.27 : કોવિડ-19 કોરોના વાયરસથી ઉત્પન્ન પડકારને પહોંચી વળવા ભારત દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન જાહેર કર્યા પછી લગભગ તમામ સેવા સંપૂર્ણ બંધ છે, પરંતુ દેશની જીવનજરૂરી ચીજોનો પુરવઠો જળવાઈ રહે તે માટે દીનદયાળ મહાબંદર સહિતના બંદરો યથાવત રખાયાં છે. બંદર ઉપર માલ ચડાવવા ઉતારવાની પ્રક્રિયામાં સેંકડો કામદારો સંડોવાતા હોવાથી તેમના સ્વાસ્થ્યની સુરક્ષાનો ગંભીર ખતરો ઊભો થઈ રહ્યો છે. આથી કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન (એચ.એમ.એસ.) દ્વારા ડીપીટી અધ્યક્ષને પત્ર લખીને કામદારોની સ્વાસ્થ્ય સુરક્ષા માટે તમામ સાધનો પૂરાં પાડવા અનુરોધ કરાયો છે. યુનિયનના મહામંત્રી મનોહર બેલાણીએ આ પત્રમાં જણાવ્યું છે કે, 25મીથી વડાપ્રધાને લોકડાઉન જાહેર કર્યું છે, પરંતુ દીનદયાળ બંદરે ટ્રાફિક અને મરિન વિભાગ સહિત અંદાજે હજારો કામદારો ( કે જેમાં ખાનગી કામદારો પણ સમાવિષ્ટ છે) કામ કરી રહ્યા છે. આ કામદારોની અવરજવરને કારણે તમામ ઉપર કોરોના સંક્રમણનો ખતરો મંડરાય છે. આવશ્યક સેવાની વ્યાખ્યામાં આવતી બંદરીય કામગીરી ભલે ચાલુ જ રખાય, પરંતુ યુનિયનની વિનંતી છે કે, આ કામગીરી માત્ર આવશ્યક ચીજવસ્તુ પૂરતી સીમિત રહે અને તે માટે લઘુતમ કામદારોથી કામ ચલાવાય. આ કામદારોને સ્વાસ્થ્ય સુરક્ષાના સાધનો જેવાં કે માસ્ક, સેનિટાઈઝર વગેરે પૂરાં પડાય અને ખાસ તો જહાજોને જેટી ઉપર લાંગરવા કે દૂર લઈ જવાની કામગીરી સંભાળતા મરિન વિભાગના સ્ટાફની વિશેષ કાળજી લેવાય તેવું આ પત્રમાં જણાવાયું છે. દરમ્યાન ડીપીટી અધ્યક્ષ એસ.કે. મેહતાએ યુનિયનની આ લેખિત રજૂઆતને લઈને પ્રશાસનના તમામ વિભાગીય વડાઓની બેઠકમાં કામદારોને અંગત સુરક્ષાના તમામ સાધનો ઉપલબ્ધ કરાવવા અને એક સંરક્ષણ પૂરું પાડવા આદેશ કર્યો હોવાનું શ્રી બેલાણીએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer