ડીપીટીના કામદારોની પોલીસના સહકારથી સુરક્ષિત હેરફેર

ગાંધીધામ, તા. 27 : કોરોના સંક્રમણના ભય વચ્ચે દીનદયાળ મહાબંદરે આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર જારી રાખવા ડીપીટીના સ્ટાફ તથા તેને સંલગ્ન લોકોનું પોલીસ તથા રાજ્ય સરકારના સહકારથી સુરક્ષિત પરિવહન કરાશે. ડીપીટી અધ્યક્ષ એસ.કે. મહેતાએ આજે જિલ્લા કલેકટર સાથે બેઠક યોજીને આ માટે સઘન વિચારણા બાદ યોજના ઘડી કાઢી હતી. શિપિંગ મંત્રાલયના દિશાનિર્દેશોનું પાલન કરવા આ પગલું લેવાયું હતું. દેશમાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા જરૂરી હોય તેટલા સ્ટાફને સુરક્ષિત રીતે હેરફેર કરાશે. ઉપરાંત એક અલગ ઈમરજન્સી પ્લાન પણ તૈયાર કરાયો છે. કામદારોમાં જાગૃતિ લાવવા, બંદર તથા કામદારોના રહેણાક સ્થળે સુરક્ષાના સાધનોના વપરાશ અંગે સેફટી ઓફિસર દ્વારા ખાસ તાલીમ શિબિર પણ યોજાયા હતા.આ વિસ્તારોમાં દવા છંટકાવ દ્વારા કિટાણુમુક્તિના પગલાં પણ લેવાયા હતા.કામદારો કામના સ્થળે રોકાયેલા હોય ત્યારે ત્યાં તેમને ભોજન સહિતની સુવિધા ડીપીટી પૂરી પાડશે. મોઢે બાંધવાના માસ્કનો ખૂટતો જથ્થો ખરીદ કરવા પણ આયોજન ઘડાયું છે. લોકડાઉન વચ્ચે ગઈકાલે ડીપીટી ખાતે ક્રૂડ ઓઈલ, કોલસો, ખાંડ, ખાદ્યતેલ વગેરેનો 5.12 લાખ ટન જથ્થો હેન્ડલ થયો હતો.આ ઉપરાંત ડીપીટીના આરોગ્ય વિભાગને કોઈપણ તાકીદની સ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવા જણાવાયું હોવાનું પ્રવકતા ઓમપ્રકાશ દાદલાણીની એક યાદીમાં જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer