ગુજરાતના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે એક દિ''નો પગાર આપ્યો

ભુજ, તા. 27 : સમગ્ર વિશ્વ અને ભારત દેશ અત્યારે અદ્રશ્ય શત્રુ એવા કોરોના વાયરસ સામે યુદ્ધ લડી રહ્યા છે. વિશ્વના સમગ્ર દેશો તથા દેશના તમામ રાજ્યો જાનલેવા વાયરસથી બચવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ગુજરાતના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલે જાહેરાત કરી છે કે `ગુજરાતમાં ગુજરાતના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પ્રાધ્યાપક શિક્ષકો પોતાના માસિક પગારમાંથી એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતફંડમાં ટ્રાન્સફર કરશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના વાયરસ સામે લડવા માટે મુખ્યમંત્રી રાહતફંડની રચના કરી છે જેમાં લોકો કોરોના વાયરસની લડાઈમાં  શક્ય હોય એટલી મદદ કરી શકે છે.  અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લાની લાકડીયા પ્રા. કન્યા શાળાની શિક્ષિકા બહેનો જયાબેન ગડા અને શાંતાબેન ગાલાએ 51-51 હજાર રૂા. મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી હતી જેની ખુદ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રાસિંહ ચુડાસમાએ નોંધ લીધી હતી તેમજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ લાભુગીરી ગોસ્વામીએ દશ હજાર અને ભચાઉ તાલુકા મંત્રી ભરતભાઇ ભુરિયાએ પોતાનો એક મહિનાનો પગાર ચાલીસ હજાર આપવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના આદેશનું પાલન કરી કચ્છ જિલ્લાના તમામ સંવર્ગના શિક્ષકો પોતાનો એક દિવસનો પગાર આપશે તેવું સરકારી માધ્યમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત મહામંત્રી મૂળજીભાઈ મીંઢાણી,પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત ઉપાધ્યક્ષ ખેતશીભાઈ ગજરા, કચ્છ જિલ્લા અધ્યક્ષ કિશોરાસિંહ ચુડાસમા વગેરેએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer