લોકડાઉન છતાં ગાંધીધામમાં અમુક દુકાન અડધી ખુલ્લી ?

લોકડાઉન છતાં ગાંધીધામમાં અમુક દુકાન અડધી ખુલ્લી ?
ગાંધીધામ, તા. 25 : કોરેના વાયરસના કારણે લોકડાઉનનો સમયગાળો બે અઠવાડિયા વધારી દેવામાં આવ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં વહેતી થયેલી અફવાઓના કારણે આ સંકુલમાં આજે સવારથી લોકો કરિયાણું, મેડિકલ, ફળ-ફ્રુટ, શાકભાજી લેવા નીકળી પડયા હતા. અનેક જગ્યાએ ચાર કે તેથી વધુ લોકો ભેગા થઇને કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી રહ્યા હતા. અમુક જગ્યાએ પાન, બીડીની દુકાનો પણ ખુલ્લી નજરે પડી હતી. કોરોનાની મહામારીના પગલે અગાઉ થોડાક દિવસો માટે લોકડાઉન જાહેર કરાયું હતું. પરંતુ પરિસ્થિતિ ગંભીર જણાતાં લોકડાઉનની સમય મર્યાદા 21 દિવસ માટે વધારી દેવામાં આવી હતી. આ વચ્ચે સોશિયલ મીડિયા ઉપર કરિયાણા વગેરેની દુકાનો સવારે બે જ કલાક ખુલ્લી રહેશે તેવી અફવા ફેલાતાં લોકો વહેલી સવારે જ જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા નીકળી પડયા હતા. ગાંધીધામની મુખ્ય બજારમાં અંબે માતાના મંદિરની આસપાસ અમુક દુકાનોમાં પાન, ગુટખા ચોરી છુપીથી વેંચાતા હતા. ભારતનગરનાં 9-બી ચાર રસ્તા પાસે પાન, બીડીની દુકાનો રીતસર ખુલ્લી નજરે પડી હતી. ખુદ પોલીસવડાની કચેરી પાછળ આવેલ ચાની લારી પણ ખુલ્લી નજરે પડી હતી. ચાર કે તેથી વધુ લોકોએ ભેગા ન થવા અંગે જિલ્લા સમાહર્તાનું જાહેરનામું છે છતાં પણ સુંદરપુરી, ભારતનગર, જનતા કોલોની, 9-બી વિસ્તાર, આદિપુરનાં મણીનગર, કેસર-નગર, 4વાળી, પાંચવાળી વગેરે વિસ્તારોમાં તથા આદિપુરના નવા બસ સ્ટેશન પાસે ચાર કે તેથી વધુ લોકો એકઠા થઇને જાહેરનામાનો ભંગ કરી રહ્યા હતા. આદિપુરમાં રામબાગ રોડ ઉપર મોબાઇલની અમુક દુકાનો અડધા શટર સાથે ખુલ્લી નજરે પડી હતી. તો સાંજના ભાગે પણ અમુક લોકો વાહનો લઇને નીકળી પડયા હતા. ટાગોર રોડ ઉપર માસ્ક પહેર્યા વગર નીકળેલા એક આધેડ મોપેડ ચાલકને પોલીસે માસ્ક આપી તે પહેરવાની ફરજ પાડી હતી. લોકો અને તેમના પરિવાર માટે કરવામાં આવેલ આ લોકડાઉનમાં લોકો સહકાર ન આપી પોતાના અને પરિવારના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતા હોવાનું બહાર આવ્યું હતું. આદિપુરની 80 બજારમાં આજે સવારે જાણે ભીડ ઉમટી પડી હતી. કરિયાણાની દુકાનોમાં લોકોના ટોળાં નજરે પડયાં હતાં. આ અંગે પોલીસને જાણ કરાઇ હતી. પોલીસ ત્યાં આવી પણ હતી. છતાં લોકો એકબીજાથી અંતર રાખ્યા વગર જ વસ્તુઓની ખરીદી કરતા જણાયા હતા. લોકડાઉનના આ કાળમાં સવારના ભાગે પોલીસે અનેક જગ્યાએ બેરીકેડ લગાવી વાહન ચાલકોને રોકયા હતા, પરંતુ બપોરે કોઇ ન હોવાથી વાહન ચાલકો નજરે ચડયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer