ઇટલી ટયુરીનમાં અભ્યાસ કરતી કેરાની અંજલિ કહે છે, બેફિકરાઇ નહીં પાલવે

ઇટલી ટયુરીનમાં અભ્યાસ કરતી કેરાની અંજલિ કહે છે, બેફિકરાઇ નહીં પાલવે
વસંત પટેલ દ્વારા-  કેરા (તા. ભુજ), તા. 25 : મોતના તાંડવ વચ્ચે ઇટલી કોફીનનો દેશ બની ચૂકયો છે. છ હજાર મોત થઇ ચૂકયા છે. મિલાન અને લોમ્બાર્ડેનો ચિત્કાર આખીયે ઇટલીને ગમગીન કરી ચૂકયો છે. મિલાનની બાજુના ટયુરીન શહેરના એક વિસ્તારમાં કચ્છ કેરાની અંજલિ નરેન્દ્ર વાઘજિયાણી રહે છે. છેલ્લા બે સપ્તાહથી ઘરમાં છે. તેણે કચ્છમિત્ર સાથે વાત કરી હતી. આઇ.ટી.નો અભ્યાસ કરનારી 17 વર્ષીય આ યુવતી કોરાના કહેર વિશે કહે છે કદાચ ઇટાલિયન લોકો શરૂઆતના કેસ વખતે બેફિકર રહ્યા હશે એનું આ જલદ પરિણામ છે. સ્વામિનારાયણ સંપ્રદાય અને મણિનગર ગાદી સંસ્થાના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીને ગુરુ માની ભગવાન અને સંતના ભરોસે છીએ. ખાવા પીવા મળે છે. બાજુમાં માર્કેટ -મોલ છે. દસ-દસ વ્યક્તિને સુરક્ષા સાથે દાખલ થવા દે છે. શાકાહારી વસ્તુ મળી રહે છે. આવા તાંડવથી ડર નથી લાગતો ? અમે પરિસ્થિતિ જોતાં અહીં વધુ સુરક્ષિત છીએ. જે લોકો ભારત સરકાર પર દબાણ લાવી વતન પહોંચ્યા છે તેના કરતાં અમે પાંચ-સાત છાત્રાઓ સાથે રહીએ છીએ. એક-બીજાની હૂંફ છે. મમ્મી-પપ્પા દરરોજ ત્રણ વાર વોટ્સએપ પર વાત કરે છે. વીડિયો કોલની સુવિધા છે. દિવસો પસાર કરીએ છીએ. ઓનલાઇન કલાસ લેવાય છે. હજી કેટલા દિવસ સામાન્ય થતાં લાગશે ? બેથી ત્રણ સપ્તાહ લાગી શકે છે. મૃત્યુઆંક ઘટતો જાય છે. આશા છે ઇટલી ફરી ધબકતું થશે. કચ્છીઓને સંદેશ ? ઘરમાં રહો, બહાર ન જાઓ, બેફિકરાઇ નહીં પાલવે. આખેઆખા પરિવારો ખતમ થઇ શકે છે. ગંભીરતા સમજજો. ઇટાલિયનો જેવી ભૂલ ભારતીયો ન કરે....! અહીં ઇમરજન્સી ચિહ્નોઁ જણાય તો એમ્બ્યુલન્સ આવે છે, તપાસે છે. જરૂર લાગે તો દવા આપે છે. ઇટલી માને છે કે આ રોગ ચીનાઓની દેન છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer