ભુજમાં શાક માર્કેટ બંધ, 31 સ્થળોએ વેચાણ થશે

ભુજમાં શાક માર્કેટ બંધ, 31 સ્થળોએ વેચાણ થશે
ભુજ, તા.25 : ભારતભરમાં હવે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના પગલે તમામ નાગરિકોને ઘરે જ બેસવાની સલાહ આપવામાં આવી છે, તેની વચ્ચે પોલીસ વિભાગની જવાબદારીઓ વધી ગઈ છે, આવા સંજોગોમાં લોકોને મદદરૂપ થવા પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આજે મહત્વના કદમ ઉઠાવવામાં આવ્યાં હતાં. ભુજ શહેરમાં વાણિયાવાડ ખાતેની શાક માર્કેટમાં સવાર પડતાં જ મોટી સંખ્યામાં શાકભાજી ખરીદવા લોકોના ટોળા ઉમટતા હતા. એક બાજુ લોકોને ચાર જણ સાથે નહીં નીકળવાની અપીલ સાથે 144ની કલમ લાગુ કરવામાં આવી છે છતાં લોકો સમજવા તૈયાર નથી. લોકોના ટોળા વળતાં હોવાથી પશ્ચિમ કચ્છના પોલીસવડા સૌરભ તોલંબિયાએ કલેક્ટરની સૂચનાથી રાત્રે જ શાકના વેપારીઓ પાસે પહોંચી ગયા હતા. અહીં સવારે  વેપાર બંધ રાખવાની સૂચના આપી હતી. તેમણે નગરપાલિકા પાસેથી તમામ છૂટક વેપારીઓની યાદી મંગાવી હતી. ભુજના 160 જેટલા વેપારીઓને શહેરના જુદા-જુદા વિસ્તારોમાં શાક વેંચવા માટે જણાવ્યું હતું. પોલીસ અને વહીવટી તંત્રની મદદથી દરેક વિસ્તારના લોકોને શાક ખરીદવા માટે સરળતા રહે એવા સ્થળો નક્કી કરી ત્યાં વેચાણ કરવા જણાવાયું હતું. શ્રીતોલંબિયાના જણાવ્યા પ્રમાણે અલગ-અલગ 31 સ્થળોની પસંદગી કરવામાં આવી છે, જ્યાં જગ્યા નક્કી કરી એ સ્થળોએ દરરોજ શાક વેચાણ માટે ઉભા રહેવાની સૂચના આપી વાણિયાવાડની શાક મારકેટ બંધ કરી દેવામાં આવી છે. એવી જ રીતે કરિયાણાના વેપારીઓ પાસે પણ સામાન લેવા ગિર્દી થતી હોવાના કિસ્સા બહાર આવ્યા હતા. લોકોને એકબીજાથી એક મીટરનું અંતર રાખવાની સૂચના છે તો વેપારીઓ પાસે સૂચનાનું પાલન થતું નથી.એટલે તેમણે તુરંત જ જિલ્લાના ટ્રાફિક પી. આઈ. જે. એમ. જાડેજાની ટીમને સાથે રાખી લોકો વચ્ચે અંતર કેવી રીતે રાખી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક કરિયાણાની દુકાન આગળ નંબર આપીને ગોળ રાઉન્ડ કરવામાં આવે છે. એ નંબર અને ચકરડામાં ગ્રાહકોને ઊભા રહીને વારા ફરતી માલ લેવા આગળ આવવું એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. માત્ર ભુજમાં નહીં ભુજ ઉપરાંત માંડવી, મુંદરા, નલિયા, નખત્રાણા આમ તમામ મોટા-મોટા મથકોએ આવું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. આ વ્યવસ્થાને ખુદ ખરીદી કરવા આવનારા લોકોએ પણ સ્વીકારી હતી અને એક-બીજા વચ્ચે અંતર રાખીને ખરીદી કેવી રીતે થઈ શકે એ પણ કરી બતાવ્યું હતું. અમુક દુકાનદારોએ પણ પોતાના નંબરો આપીને ગાડીમાં બેસી રહેલા ગ્રાહકો સુધી ગાડીમાં જ માલ આપવાનું આયોજન ગોઠવ્યું હતું.  તો કચ્છમાં ક્યાંક એકલા રહેતા વડીલોને આવી સ્થિતિમાં મુશ્કેલી ન પડે એ માટે પશ્ચિમ કચ્છ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી હતી.સોશિયલ મીડિયાના માધ્યમથી એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસ જાણે પરિવારની ભૂમિકામાં આવી ગઈ હોય તેમ વરિષ્ઠ નાગરિકો અગર 100 નંબર જે કંટ્રોલ રૂમનો નંબર છે, એના પર જાણ કરવાથી દવા કે અન્ય જરૂરી વસ્તુઓ પોલીસના વાહનો મારફતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકોને ઘરમાં જ રહેવા સંદેશા સાથે દરેક ગલ્લી-શેરીઓમાં પોલીસના વાહનો ફરતા હતા અને ગામડાંઓમાં હવે આખો દિવસ શાકભાજી કે દુકાનો ખોલવાને બદલે અમુક કલાકો માટે છૂટછાટ આપવામાં આવી હોવાનું એસ.પી. શ્રી તોલંબિયાએ જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer