વાગડને વાયરસની ભયાનકતાનો અંદાજ નથી

વાગડને વાયરસની ભયાનકતાનો અંદાજ નથી
ખેંગાર પરમાર દ્વારા- આડેસર (તા. રાપર), તા. 25 : કોરોનાને રોકવા માટે લોકો જ્યાં છે ત્યાં જ રહે તે માટે સરકારે અનેક પગલાં લીધાં પણ વાગડ વિસ્તારમાં લોકોને આ વાયરસની ભયાનકતાનો અંદાજો નથી એટલા માટે લોકો બેફિકર થઈને જ્યાં ત્યાં કોઈ પણ કામ વગર ફરતા અને વાહનોમાં જતા નજરે પડે છે. 144 કલમ લાગુ છે પણ લોકોને એ પણ ખબર નથી કે 144 એટલે શું? આડેસર કચ્છનું પ્રવેશદ્વાર છે. વાયરસની ગંભીરતાને ધ્યાને લઈ હાલના સમયમાં પોલીસ, આરોગ્યતંત્ર અને મીડિયા દ્વારા જાનના જોખમે અને ભૂખ-તરસ વેઠીને પણ લોકોને આ વાયરસથી બચાવવા તનનોડ મહેનત કરી રહ્યા છે. ખાસ કરીને મુંબઈથી અને રાજ્ય બહારથી કચ્છમાં પ્રવેશતા પ્રવાસીઓ પર આરોગ્ય તંત્ર અને પોલીસનું સતત મોનિટરિંગ ચાલુ છે. ગાંધીધામ-રાધનપુર નેશનલ હાઈવે 27 પર વાહનોની અવરજવર સતત ચાલુ રહેતાં ચિંતા વધી રહી છે. ખાસ કરીને મુંબઈથી આવતા લોકોને લઈને ખાસ ચિંતા સેવાઈ રહી છે. આડેસર પોલીસ ઉપર 50થી વધારે ગામોની જવાબદારી છે અને સ્ટાફ એટલો તો ન જ હોય કે દરેક ગામમાં 144 કલમને લાગુ કરાવી શકે. છતાં દરેક ગામના સરપંચો અને જાગૃત નાગરિકો દ્વારા ખાસ જહેમત ઉઠાવી ક્યાંક મોટરસાઈકલમાં માઈકો લગાવીને તો ક્યાંક રિક્ષાઓમાં માઈકો લગાવીને લોકોને સતત જાગૃત કરી રહ્યા છે. પોલીસનું સતત પેટ્રોલિંગ પણ ચાલુ છે છતાં પોલીસની ગાડીઓ એક જગ્યાએ આખો દિવસ રહેવાની નથી. જેવી પોલીસની ગાડી જાય એટલે ફરી પાછા લોકોના ટોળાં ભેગા થાય અને અડધા કલાક પછી પાછી ગાડી આવે અને પાછા બધા ગલીઓમાં ઘરોમાં ભાગે. આ નજારો આખો અલગ છે. પોલીસતંત્રને હાલની કામગીરીની શાબાશી આપવા જેવી છે. આડેસર ચેકપોસ્ટે આરોગ્ય ટીમ સાથે બહારથી આવતા વાહનોમાં બેઠેલા લોકોને પૂછે છે કે તમારે ક્યાં જવું છે અને શું કામ જવું છે ? જો જવાબ બરાબર ના મળે તો કચ્છમાં નો એન્ટ્રી... ગાડી ચેકપોસ્ટથી પાછી વળાવે છે અને જરૂર પડે તો ગાડી ડિટેઈન પણ કરે છે અને જરૂર જણાય તો પોલીસ  ડંડો પણ વાપરી જાણે છે પણ એ બધું એ લોકોની ભલાઈ માટે અને સૌ કોઈની ભલાઈ માટે... આરોગ્ય તંત્રની ટીમો પણ સતત ચેકઅપ કરીને અને ખાસ એ કે આરોગ્ય વિભાગ તરફથી આ સ્ટાફ માટે જમવાની કે પાણીની વ્યવસ્થા ના કરાઈ હોય અને જોઈતી સામગ્રી પણ ના આપી હોય છતાં આખો દિવસ આ નેશનલ હાઈવેના ચેકઓસ્ટ અને માખેલ ટોલટેક્સે તડકામાં ઊભા રહીને પોતાની કામગીરી કરી રહ્યા છે. આડેસર વિસ્તારમાં અને આખાય વાગડમાં મુંબઈથી આવેલા લોકોના ટેસ્ટ કરાવવા ખૂબ જરૂરી જણાઈ રહ્યું છે. થર્મલ ટેસ્ટિંગ એ માત્ર શરીરનું તાપમાન બતાવે છે. કોઈને કોરોનાનો ચેપ હોય તો એ એમાં ન બતાવે. આથી એકવાર થર્મલ ટેસ્ટ થયા પછી લોકો બેફિકર બની જાય છે અને કોઈ જાતની તકેદારી રાખતા નથી. માટે કોઈ પણ એકનેય આ વાયરસ હશે તો વાગડ વિસ્તારમાં મહામારી ફેલાશે એ નક્કી છે. જ્યાં સુધી ભારત કોરોનામુક્ત ન થાય ત્યાં સુધી આપણે સૌએ ખાસ કરીને પોલીસ, મીડિયા અને આરોગ્ય તંત્રએ પોતપોતાની જવાબદારી સમજી દિવસ-રાત એક કરીને ભૂખ-તરસ વેઠીને એકબીજાને  પ્રોત્સાહન આપીને જોઈતી મદદ આપીને કામ કરવું પડશે. ખાસ કરીને આરોગ્ય તંત્ર દ્વારા મુકાતા સ્ટાફને તમામ સુવિધાઓ આપે એ બહુ જ જરૂરી છે. આ વિસ્તારના લોકો અને ટ્રક ડ્રાઈવર-કંડક્ટરો માસ્ક પહેરવામાં સમજતાં જ નથી. આવનારો સમય આપણા સૌ માટે સારો આવે એ તંત્રએ તમામ સુવિધાઓ ઈમરજન્સી આવે એ પહેલાં ઊભી કરવી પડશે એવું ચિત્ર ઊપસી રહ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer