કચ્છમાં કાયદાના અમલ માટે 2 હજાર રક્ષક ખડેપગે

કચ્છમાં કાયદાના અમલ માટે 2 હજાર રક્ષક ખડેપગે
ભદ્રેશ ડુડીયા-મનજી બોખાણી દ્વારા-  ભુજ/ગાંધીધામ, તા. 25 : કોરોના વાયરસને સંક્રમિત થતો રોકવા સરકારે લોકડાઉન જાહેર કર્યું છે ત્યારે આ લોકડાઉનને અમલી બનાવવા માટે સમગ્ર કચ્છમાં પોલીસ સહિત એસઆરપી, હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાનો વિવિધ માર્ગો પર બિરદાવવાલાયક કામગીરી કરી રહ્યા છે. કચ્છની વિવિધ ચેકપોસ્ટ જેમ કે પૂર્વ કચ્છની કચ્છના પ્રવેશદ્વાર સમી આડેસર અને સૂરજબારી ચેકપોસ્ટ ઉપરાંત પશ્ચિમ કચ્છમાં છ ચેકપોસ્ટ શેખપીર, કોડાય પુલ, મોખા ચેકપોસ્ટ, દેશલપર ચેકપોસ્ટ, મોથાળા ચેકપોસ્ટ અને ઘડુલી ચેકપોસ્ટ પર જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. માર્ગો પર મળતા લોકોને રોકાવી પોલીસ પૂછપરછ કરે છે. લાયસન્સ સહિતના વાહનના કાગળો પણ તપાસે છે અને ખાસ તો 144નો અમલ હોવા છતાં બહાર નીકળવાનું કારણ પૂછે છે. કારણ યોગ્ય જણાય તો જવા દેવાય છે. અકારણ નીકળતા લોકો સામે ક્યાંક પોલીસ કડક રૂખ અપનાવે છે તો ક્યાંક સમજાવીને `ઘરભેગા' પણ કરે છે. લખપત તાલુકાની ઘડુલી ચેકપોસ્ટ પર પોલીસની સાથે એસઆરપીના જવાનો પણ નજરે પડે છે. પશ્ચિમ કચ્છમાં પોલીસના વડા સૌરભભાઇ તોલંબિયાના માર્ગદર્શન હેઠળ ચાર ડીવાયએસપીને જુદા જુદા પોલીસ મથકો ફાળવી દેવાયા છે. પ. કચ્છમાં 144 કલમના અમલીકરણ માટે 471 પોલીસ કર્મચારીઓ, 70 એસઆરપી જવાનો, 190 હોમગાર્ડસ અને 300 જેટલા ગ્રામ રક્ષક દળના જવાનો માર્ગો પર તૈનાત રહે છે. પોલીવાન દ્વારા શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરાય છે અને લાઉડ સ્પીકરથી કોરોના વાયરસના સંક્રમણથી બચવાની જનજાગૃતિ અર્થે જાહેરાતો કરાય છે અને વિના કારણ બહાર ન નીકળવા અપીલ કરાય છે. ખડેપગે સતત ઊભા રહેતા આવા કર્મચારીઓની વહારે અનેક સેવાભાવી સંસ્થાઓ અને લોકો પણ આગળ આવે છે અને તૈનાત જવાનોની ચા-પાણી અને નાસ્તા સહિત વ્યવસ્થા કરી આપતા હોવાનું દેખાય છે. બીજીતરફ પૂર્વ કચ્છમાં બે ચેકપોસ્ટ સાથે પોલીસવડા પરીક્ષિતા રાઠોડ સહિત 850 જેટલા પોલીસકર્મીઓ ખડેપગે ફરજ નિભાવી રહ્યા છે. રાત્રિ દરમ્યાન હોમગાર્ડ અને જી.આર.ડી. જવાનોની મદદ લેવાઇ રહી છે.લોકડાઉનના પગલે જિલ્લા બહારના કોઇ વાહનો જિલ્લામાં કારણ વગર ન પ્રવેશે તે માટે આડેસર અને સૂરજબારી ચેકપોસ્ટ ઉપર પોલીસને તૈનાત કરાઇ છે. અહીં ઘડિયાળના કાંટાની જેમ પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે. તો સાથોસાથ ગાંધીધામ, અંજાર, આદિપુર, ભચાઉ, રાપર, સામખિયાળીમાં પણ આ પોલીસ કર્મીઓ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. તેમજ દિવસ દરમ્યાન ટી.આર.બી. (ટ્રાફિક બ્રિગેડ)ની મદદ લેવાય છે. તો રાત્રિના ભાગે શહેરી વિસ્તારમાં હોમગાર્ડ અને ગ્રામ્ય વિસ્તારોમાં જી.આર.ડી. જવાનોની લોકડાઉનનો અમલ કરવા માટે મદદ લેવાઇ રહી છે.સાથોસાથ વરિષ્ઠ નાગરિકો, માનસિક દિવ્યાંગોની મદદ કરીને પોલીસ માનવતાના દર્શન કરાવી રહી છે. તો અવિરત કામ કરતી આ પોલીસને ચા, પાણી, બિસ્કિટ આપીને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ?પોતાની ફરજ બજાવી રહી છે. આ લોકડાઉનના પગલે રોજનું કમાઇને રોજનું ખાતા ગરીબ લોકો માટે આફત ઊતરી આવી છે. આવા લોકોને પણ પોલીસ ભોજન પૂરું પાડીને ઉમદા કાર્ય કરતી હોવાનું જણાઇ રહ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer