કારણ વગર બહાર નીકળનારાઓને નખત્રાણામાં પોલીસે પરચો બતાવ્યો

કારણ વગર બહાર નીકળનારાઓને નખત્રાણામાં પોલીસે પરચો બતાવ્યો
નખત્રાણા, તા. 25 : સમગ્ર રાજ્યમાં 144મી કલમ લાગુ થવાની સાથે લોકડાઉન પણ જાહેર કરવામાં આવતાં તેના પગલે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાતાં વાહનચાલકોના વાહનો ડીટેઈન કરવાની સાથે બહાર ફરવા માગતા ખાસ કરીને યુવાનો તેમજ અમુક `બહાદુરોને' પોલીસે કાયદાનો પરચો બતાવ્યો હતો. નખત્રાણા ડી.વાય.એસ.પી. બી. એન. યાદવના માર્ગદર્શન હેઠળ પીઆઈ જે. કે. રાઠોડ, પીએસઆઈ ગેહલોત તથા પોલીસ ટીમ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, તેની સાથે વાહનોમાં લાગેલી બ્લેક ફિલ્મ ઉતારવાની સાથે વાહનો ડીટેઈન કરવામાં આવ્યાં હતાં. લોકોને બહાર ન નીકળવાની અપીલ સાથે પોલીસ તેના જાનના જોખમે ફરજ બજાવી રહી છે ત્યારે લોકોને પોલીસને સંપૂર્ણ સહકાર આપવા જણાવ્યું હતું. દરમ્યાન શાકભાજી, દૂધવાળાની ડેરી, અનાજ કરિયાણાના દુકાનદારોએ સવારના સાતથી બપોરના 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવા અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. સૂચનાનો અમલ નહીં કરવામાં આવે તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. છેલ્લા ઘણા દિવસથી નગરના જાહેર સ્થળોએ જેવા કે, બસ સ્ટેશન, વથાણ વિસ્તાર, મુખ્ય બજાર, ભુજ-લખપત હાઈવે માર્ગ પરના બેરૂ નાકા પાસે પોલીસ, હોમગાર્ડઝનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાતાં-લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવવામાં આવી રહ્યો છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer