માધાપરમાં નિવૃત્ત આર્મીમેનની લૂંટના ઈરાદે હત્યા થઈ''તી

માધાપરમાં નિવૃત્ત આર્મીમેનની લૂંટના ઈરાદે હત્યા થઈ''તી
ભુજ, તા. 25 : ચાર દિવસ પૂર્વે માધાપરમાં નિવૃત્ત આર્મીમેન એવા નેપાળી વૃદ્ધની કરપીણ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી બે શખ્સની અટક કરી કોર્ટમાં રજૂ કરાતાં 30મી સુધી તેના રિમાન્ડ મંજૂર થયા છે. લૂંટના ઈરાદે આ હત્યા થઈ હોવાનું તપાસમાં ખુલ્યું છે. ગત તા. 20/3થી 21/3ની સવાર સુધી માધાપરના બિપિન ભટ્ટ નગર ખાતે રહેતા નિવૃત્ત આર્મીમેન એવા નેપાળી મંસુર કમન્સિંગ ગુરુગની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ તપાસ દરમ્યાન સંબંધિતોની પૂછપરછમાં મૃતકના ભાઈની દીકરી નિરુતા શક્તિરામ ગુરુગનો મિત્ર ઉસ્માન ઉર્ફે ઓસમાણ અબ્દુલ કચ્ચા (રહે. ગાંધીધામવાળો) અગાઉ નિરુતા સાથે મૃતક પાસે અવારનવાર આવતો હતો. જે દિશામાં પોલીસ આગળ વધી હતી. ઉસ્માન ઉર્ફે ઓસમાણ અબ્દુલ કચ્ચાની પોલીસે પૂછપરછ કરતાં તે ભાંગી પડયો હતો અને તેણે કબૂલ્યું હતું કે, લૂંટના ઈરાદે તેણે તેમજ તેના મિત્ર કનુ ઉર્ફે કાનજી રમેશ સોની (રહે. ગાંધીધામ)એ મંસુરની હત્યા નીપજાવી હતી. ઉસ્માને છરી મારી હતી જ્યારે કાનજીએ કડા વડે મૃત્યુ પામનારના નાકમાં ઈજા પહોંચાડી હતી. આરોપીઓ મૃતકના ઘરેથી થેલો તથા ફાઈલો તેમજ બે સોનાની વીંટી અને આર્ટિફિશિયલ દાગીના લૂંટી ગયા હતા. પોલીસે બન્ને આરોપીને પકડી તેમની પાસેથી મુદ્દામાલ તેમજ હત્યામાં વપરાયેલી છરી તથા કડું તેમજ મોટરસાઈકલ કબ્જે લીધા હતા. આ બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં તા. 30/3 સુધી પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર થયા છે. આ કામગીરીમાં બી-ડિવિઝન પીઆઈ આર.એન. ખાંટ, એલસીબી શાખાના પીઆઈ શ્રી ગોંડલિયા, પીએસઆઈ એસ. જે. રાણા, એ.એન. ભટ્ટ, એએસઆઈ નીરુભા ઝાલા, પુનશી ગઢવી, હેડ કોન્સ. હરીશચંદ્રસિંહ જાડેજા, શિવરાજસિંહ રાણા, કોન્સ. પરમવીરસિંહ ઝાલા, નિમેશ બારોટ, સૂરજભાઈ વેગડા, નીલેશભાઈ ચૌધરી વગેરે જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer