ગાંધીધામ-અંજારમાં જરૂરતમંદોને રાશનકિટ પહોંચાડવા સંસ્થાઓ સાથે બેઠક

ગાંધીધામ-અંજારમાં જરૂરતમંદોને રાશનકિટ પહોંચાડવા સંસ્થાઓ સાથે બેઠક
ગાંધીધામ, તા. 25 : કોરોના વાયરસની ઘૂસણખોરીને અંકુશિત કરવા દેશમાં લોકડાઉન જાહેરાત  બાદ ગાંધીધામ અને અંજારના જરૂરતમંદોને ઘરે બેઠા જ રાશનકિટ મળી રહે તે માટે  વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે પ્રાંત અધિકારીએ બેઠક યોજી હતી.જેમાં સંસ્થાઓ  દ્વારા  બનતા પ્રયત્નો કરી તમામ પ્રકારની સહાય લોકો સુધી પહોંચાડવાની બાંહેધરી અપાઈ હતી. અંજાર  પ્રાંત કચેરી ખાતે  નાયબ કલેકટર શ્રી જોષીની અધ્યક્ષતામાં  યોજાયેલી બેઠકમાં સામાજિક સેવાઓ કરતી  જુદી-જુદી 15 જેટલી સંસ્થાઓ શ્રમિક વર્ગ સહિતના જરૂરતમંદોને રાશનકિટની મદદ મોકલવા તૈયારી દર્શાવી હતી.બેઠકમાં અંજાર શહેરના જુદા-જુદા વિસ્તારોની જવાબદારી સોંપાઈ હતી. આવતીકાલથી રાશનકિટ તૈયાર કરી વિતરણ શરૂ થશે તેવી વિગતો પ્રાપ્ત થઈ હતી. અંજારના ડો. દીપેશ વ્યાસ દ્વારા કામગીરીમાં રોકાયેલા તમામ સરકારી સ્ટાફગણને હોમિયોપેથિક દવાનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું. ગાંધીધામ ચેમ્બર ભવનમાં પણ વિભિન્ન પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે અંજાર પ્રાંત અધિકારીએઁ બેઠક યોજી હતી. જેમાં   ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, નાયબ પોલીસ વડા ડી.એસ. વાઘેલા, સુધરાઈ પ્રમુખ કાનજીભાઈ ભર્યા,ચેમ્બરના અગ્રણીઓ હાજર રહયા હતા. વર્તમાન પડકારજનક સમયમાં  જે લોકો ઘર છોડી શકતા નથી. તેવા વર્ગને  મદદરૂપ  થવા રાશનકિટ વિતરણ કરવા જુદી-જુદી  સંસ્થાઓ  પોતાનું યોગદાન આપશે. આ વેળાએ 15 જેટલી સામાજિક સંસ્થાઓએ  અંદાજિત  10 હજાર જેટલી રાશનકિટ આપવા માટે સમર્થન  આપ્યું હતું. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે  તમામ વ્યકિતઓ, સોસાયટીઓ, એન.જી.ઓ., નગરસેવકોને  અનુરોધ કરતાં જણાવ્યું હતું  કે આ સેવાકીય પ્રવૃત્તિમાં સૌ  આગળ આવી  ઉદાર મને દાન આપે. આગામી 21  દિવસ સુધી એકપણ જરૂરિયાતમંદ વ્યક્તિ જમ્યા વગરના ન રહી જાય તે આપણી સૌની સામૂહિક જવાબદારી છે. દાન આપવા તથા રાશનકિટની સંખ્યા લખાવવા માટે ચેમ્બરના મંત્રી આશિષ જોષી મો. 98252 25143નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.     

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer