કોરોનાની કઠિન અસર વચ્ચે જરૂરતમંદ માનવ માટે સેવાની પ્રગટાવાયેલી જ્યોત

કોરોનાની કઠિન અસર વચ્ચે જરૂરતમંદ માનવ માટે સેવાની પ્રગટાવાયેલી જ્યોત
ભુજ, તા. 25 : માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા કોરોના સ્થિતિ વચ્ચે લોક ઉપયોગી સેવાઓ શરૂ કરવામાં આવેલી છે. વિતરણ વ્યવસ્થામાં કયાંય પણ ચાર જણ ભેગા થશે તો એ વિસ્તારમાં વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્રની સૂચના અને નિયમોનું કડક પાલન કરી, કરાવીને સેવા કાર્ય હાથ ધરાશે તેવું સંસ્થાએ કહ્યું છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં પેરાલિગલ વોલિન્ટીયર પ્રબોધ મુનવર, પૃથ્વીરાજાસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક બાવા તથા માનવજ્યોતના દીપેશ શાહ, દીપેશ ભાટિયા, ગુલાબ મોતા, મહેશભાઇ ઠક્કર, નીરવ મોતા, અક્ષય મોતા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, ઇરફાન લાખા, રાજુ જોગીએ વિતરણ વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો.  કોરોના વાયરસને લીધે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાને લઇ જુદા-જુદા વિસ્તારોમાં ભૂંગા-ઝૂંપડાઓ સુધી જઇ 300 પરિવારોને વઘારેલી ખીચડી વિતરણ કરાઇ હતી.  ભુજ અને ભુજ વિસ્તારનાં 400 પરિવારો, જે રાજિંદી કમાઇ કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેમનાં ઘરે પહોંચી જઇ હાથોહાથ સૂકા નાસ્તાનાં પેકેટ અપાયા હતા.  ભુજ એસ.ટી. બસનાં 200 ડ્રાઇવર-કંડકટરોને હાથમાં પહેરવાનાં ગ્લોઝ અપાયા હતા. 350 લોકોને માસ્ક વિતરણ કરાયા હતા. શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં જઇ માસ્ક ન પહેરેલા અને રસ્તા ઉપરથી પસાર થતા લોકોને ઊભાડીને માસ્ક પહેરાવવામાં આવ્યા હતા. કપૂર અને એલચી ભુક્કાનું મિશ્રણ કરી તેનાં પેકેટ બનાવી 3 હજાર લોકોને વિતરણ કરાયા હતા. કપૂર-એલચી મિશ્રણ સૂંઘવાથી દર્દ સામે રાહત મળે છે.  100 માસ્ક તૈયાર કરાવી પોતાનાં ગામમાં વિતરણ કરનારાને કાપડ ફ્રી આપવામાં આવશે. ટ્રેનો થંભી જતાં રેલવે સ્ટેશને ટ્રેન કર્મચારીઓને ભોજન પહોંચાડાયું હતું. રેલવે સેવા થંભી જતાં ભુજ રેલવે સ્ટેશને રખડી પડેલા તેમજ ભુખ્યા 21 ટ્રેન કર્મચારીઓને સ્ટેશન મેનેજર કે.કે. શર્માની ઉપસ્થિતિમાં ભોજન કરાવાયું હતું તેવું સંસ્થાની યાદીમાં જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer