ભુજમાં ગરીબો અને જરૂરતમંદો માટે સેવાભાવી વેપારીઓએ આદર્યો સેવાયજ્ઞ

ભુજમાં ગરીબો અને જરૂરતમંદો માટે સેવાભાવી વેપારીઓએ આદર્યો સેવાયજ્ઞ
ભુજ, તા. 25 : કોરોનાને લઇને સર્જાયેલી લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ગરીબો અને જરૂરતમંદ લોકોને તકલીફ ન થાય તેવા સારા હેતુસર કાર્યવાહી માટેની કચ્છમિત્ર દ્વારા કરાયેલી અપીલને લઇને પ્રેરાયેલા ભુજના વેપારીઓએ જીવનજરૂરી ચીજવસ્તુઓના વિતરણનો સેવાયજ્ઞ આરંભ્યો છે. એક પરિવારને ત્રણ દિવસ સુધી ચાલે તેવી કિટ બનાવી દરરોજ 300 કિટનું વિતરણ વહીવટી તંત્રના માર્ગદર્શન તળે પોલીસને સાથે રાખીને કરવામાં આવી રહ્યું છે. શહેરમાં જી.આઇ.ડી.સી. સામેના વિસ્તારમાં મિલ ધરાવતા વેપારીઓ તથા ભુજ નવી જથ્થાબંધ બજારના વેપારીઓએ કચ્છમિત્રની અપીલ બાદ વેપારી આગેવાન અને ભુજ કોમર્શીયલ બેન્કના મેનેજીંગ ડિરેકટર ધીરેન ભાનુભાઇ ઠકકરનો સંપર્ક કર્યો હતો. તેમણે જિલ્લા કલેકટર, જિલ્લા પુરવઠા અધિકારી અને ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય સાથે વાટાઘાટો કરી હતી. પ્રારંભિક તબકકે જરૂરતમંદોને તૈયાર ભોજન પહોંચતું કરવાની યોજના બનાવાઇ હતી. પણ વર્તમાન સ્થિતિમાં તે શકય ન હોવાથી ધારાસભ્ય ડો. શ્રીમતિ આચાર્યના સૂચનથી કિટ બનાવી વિતરણ કરવાનું નકકી કરાયું હતું. વેપારી ધીરેનભાઇ ઠકકર તથા ઉદય કિશોર ઠકકર અને કપિલ જમનાદાસ ઠકકરે આ સબંધી વિગતો આપતાં જણાવ્યું હતું કે ડુંગળી, બટેટા, તેલ, મસાલા, મીઠું, લોટ અને ચોખાની કિટ તૈયાર કરવામાં આવી છે. કિટ લેનારાની કયાંય ભીડ ન થાય અને કોઇ કોઇના સ્પર્શમાં ન આવે તે રીતે પોલીસને સાથે રાખીને કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. રોજ આવી 300 કિટ વિતરણ કરવાનું આયોજન ઘડી કઢાયું છે. આ કાર્ય માટે વિનય વિનોદ રેલોન, સાગર જીતેન્દ્ર ઠકકર, અંકિત વીરેન્દ્ર ઠકકર, વિપુલ શાન્તિલાલ ગણાત્રા, મનોજ હરેશ ઠકકર વગેરે વેપારીઓ સેવાકાર્યમાં જોડાયા છે. આ કાર્યમાં સહયોગ આપનારાઓને વેપારી ઉદય ઠકકર મોબાઇલ 98245 17456 અને કપિલ ઠકકર મોબાઇલ 94277 61474નો સંપર્ક કરવા જણાવાયું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer