પૂર્વ કચ્છમાં પોલીસ પોતાની ફરજ સાથે માનવતા મહેકાવી રહી છે

પૂર્વ કચ્છમાં પોલીસ પોતાની ફરજ સાથે માનવતા મહેકાવી રહી છે
ગાંધીધામ, તા.25 : લોકડાઉનના પગલે પૂર્વ કચ્છમાં પોલીસ ખડેપગે છે, ત્યારે પોલીસે માનવતાની રાહે પણ અનેક કાર્યો કર્યા છે. શહેરના ભારતનગર નજીક સથવારા કોલોનીમાં રહેતા કાનજી સવજી સથવારા નામના વરિષ્ઠ નાગરિકનો પુત્ર રાજેશ માનસિક દિવ્યાંગ છે. આ યુવાન ભચાઉના નવચેતન અંધજન મંડળમાં હતો. કોવિડ-19 કોરોના વાયરસના કારણે હાલમાં સંપૂર્ણ લોકડાઉન છે ત્યારે આ યુવાનને ઘરે પરત કેમ લઈ આવવો તેવો પ્રશ્ન વરિષ્ઠ નાગરિક એવા કાનજીભાઈને સતાવતો હતો.દરમ્યાન આ વરિષ્ઠ નાગરિકે પૂર્વકચ્છ પોલીસ વડા પરીક્ષિતા રાઠોડનો સંપર્ક કરી રજૂઆત કરી હતી. પોલીસ વડાએ એ ડિવિઝનના પીઆઈને જાણ કરી હતી. આ પોલીસ અધિકારીએ વરિષ્ઠ નાગરિકની મુલાકાત લઈ તેમનો પ્રશ્ન સાંભળ્યો હતો અને બાદમાં જિલ્લા ટ્રાફિક શાખા સંકલનમાં રહીને ભચાઉથી માનસિક દિવ્યાંગને પરત ઘરે લઈ અવાયો હતો. બીજી બાજુ, સીસી ટીવી કેમેરા વગેરેના ઈન્ચાર્જ એવા પીએસઆઈ બી. કે. સન્ધુ દિવસભર પોતાની ફરજ અદા કરે છે અને રાત્રિ દરમ્યાન ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે ચા-પાણી વગેરેની વ્યવસ્થા કરી તેમને પહોંચાડી પોતાના સ્ટાફનું મનોબળ મક્કમ કરી રહ્યાં છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer