ભુજના હોટલ માલિકની નવતર પહેલ, ગરીબોને મફત ભોજન

ભુજના હોટલ માલિકની નવતર પહેલ, ગરીબોને મફત ભોજન
ભુજ, તા. 25 : શહેરના ધીંગેશ્વર મહાદેવ મંદિર સામે આવેલા પૂજા ડાઈનિંગના માલિક દ્વારા સેવાભાવી સંસ્થા ભૂતનાથ સેવા સંસ્થાન અને હિન્દુ યુવા સંગઠનના સહયોગે હાલની પરિસ્થિતિને અનુલક્ષીને 15થી 20 દિવસ દરમ્યાન દરરોજ 250થી 300 ગરીબ પરિવારો, ફરજ બજાવતા કર્મચારીઓ વગેરેને મફત ભોજન કરાવવાનો પ્રારંભ કરાયો હતો.પૂજા ડાઈનિંગના ગવરીગર ગોસ્વામીએ ભૂતનાથ સેવા સંસ્થાનના હોદ્દેદારો, હિન્દુ યુવા સંગઠનના હોદ્દેદારો સાથે વિચાર-વિમર્શ કરી તેની પાસે ઉપલબ્ધ રાશનમાંથી દરરોજ ગરીબ પરિવારો, બહારથી આવી ફરજ બજાવતા કર્મચારીઓ, જરૂરતમંદો વગેરેને મફત ભોજન કરાવવાનો વિચાર વહેતો કરાતાં આ સંસ્થાઓએ પણ પોતાનું યોગદાન આપવા તત્પરતા બતાવી જરૂર પડયે રાશન, શાકભાજીની વ્યવસ્થા કરી આપવાની તૈયારી દર્શાવાતાં બુધવારથી જ ભોજન વિતરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી જેમાં સરકારી તંત્ર સાથે સંકલન કરી જુદી જુદી ઝૂંપડપટ્ટીઓ, જીઆઈડીસી જેવા વિસ્તારોમાં સંસ્થાના એકથી ત્રણ જેટલા કાર્યકરોએ 300 જેટલા લોકોને ભોજનનું વિતરણ કર્યું હતું, જેમાં લોકોને ટોળાં સ્વરૂપ નહીં આવવા પણ જણાવ્યું હતું. આ સંસ્થા દ્વારા જણાવાયા મુજબ શહેરમાં બહારગામથી આવી ફરજ બજાવતા કર્મચારીઓ-હોટેલો-લોજમાં જમતા લોકોને પણ અનુરોધ કરી ફોન દ્વારા જાણ કરાશે તો તેમની પણ વ્યવસ્થસા કરી આપવામાં આવશે તેવું જણાવાયું છે. સંસ્થાના કાર્યકરો સરકારના નિયમનો અમલ કરી વિવિધ વિસ્તારોમાં સેવા આપી રહ્યા છે. સેવાની જરૂર જણાય તો ઘનશ્યામ ગોસ્વામી મો. 98983 20383નો સંપર્ક કરવા પણ જણાવાયું છે. આ કાર્યમાં હર્ષદ ઠક્કર (હકી), પશ્ચિમ કચ્છ હિન્દુ યુવા સંગઠનના પ્રકાશ ગોર, ભુજ તાલુકા પ્રમુખ હાર્દિક જોશી, ભૂતનાથ સેવા સંસ્થાના અધ્યક્ષ ગજેન્દ્રસિંહ જાડેજા, પરાક્રમસિંહ જાડેજા, નરેશ પરમાર, શૈલેશ જાની, હસુ મીરાણી, અજિત પરમાર, હરેશ ઠક્કર, બંકિમ ખત્રી વગેરે સહયોગ આપી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer