કચ્છમાં છ હજાર માસ્કનું નિ:શુલ્ક વિતરણ

કચ્છમાં છ હજાર માસ્કનું નિ:શુલ્ક વિતરણ
ભુજ, તા. 25 : વિશ્વભરમાં આતંક મચાવનારા કોરોના વાયરસને અટકાવવાના પ્રયાસરૂપે કચ્છમાં વિવિધ સંસ્થાઓ, દાતાઓ તેમજ દરજી સમાજ દ્વારા ગ્રામજનો, સફાઇ કામદારો, દૂધ-શાકભાજીના ફેરિયા, પોલીસ જવાનોને છ હજાર જેટલાં માસ્કનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું. માધાપર (તા. ભુજ) : અહીં નવાવાસ ગ્રામ પંચાયત દ્વારા બે હજાર માસ્કનું વિતરણ?કરવામાં આવ્યું હતું. નવાવાસ પંચાયતના ઉપસરપંચ અરજણભાઇ ભુડિયાએ દરજી રોકીને દાતા વિનોદભાઇ સોલંકી તથા નવાવાસ પંચાયતના સરપંચ પરિવાર તરફથી 2000 માસ્ક બનાવવા સહયોગ અપાયો હતો.અહીં માસ્ક નવાવાસ-જૂનાવાસ પંચાયતના સફાઇ કામદારો-સ્ટાફને આપવામાં આવ્યા હતા. દૂધ, શાકભાજી, ફળ વેચતા લોકોને માસ્ક અપાયા હતા. માસ્ક વિતરણ વ્યવસ્થામાં નાનજીભાઇ પટેલ, મહેશભાઇ સોની, રમેશભાઇ આહીર- જૂનાવાસ ઉપસરપંચ, અરજણભાઇ ભુડિયા - નવાવાસ ઉપસરપંચ, વિનોદભાઇ સોલંકી (દાતા)એ વ્યવસ્થા સંભાળી હતી.માનકૂવામાં પશ્ચિમ કચ્છ મચ્છુ કઠિયા સઇ સુતાર જ્ઞાતિના દરજી મંડળ દ્વારા કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માસ્ક બનાવીને નિ:શુલ્ક વિતરણ કરીને સેવાકીય પ્રવૃત્તિ આદરી હતી. હાલના માહોલમાં દુકાન-વ્યવસાય બંધ રાખવાના હોવાથી 10થી 15  કારીગરો સેવાયજ્ઞમાં જોડાયા હતા.અંજારમાં મહામારી વચ્ચે ફરજ અદા કરનારા કર્મચારીઓ તથા જરૂરતમંદો માટે અંજારના દરજી બંધુઓએ કોઇ પણ પ્રકારના વળતરની અપેક્ષા વિના 2500 જેટલા કપડાંના માસ્ક તૈયાર કર્યાં હતાં. દરજીઓ દ્વારા અનોખો સેવાયજ્ઞ આરંભવામાં આવ્યો છે. દરજી સમાજ અને ભારત વિકાસ પરિષદ અંજારની પહેલને પગલે અંજાર સુધરાઇના માજી નગરસેવક પ્રદીપભાઇ ગોહિલ તથા ચંદ્રેશભાઇ ડાભીના નેતૃત્વ તળે 15 જેટલા દરજીઓએ 100થી 125 મીટર કાપડનો ઉપયોગ કરી 2500 જેટલા માસ્ક તૈયાર કર્યા હતા. રામપર (તા. માંડવી) : માંડવી તાલુકાના રામપર ગામે ગ્રામ પંચયાત તથા દરજી સમાજના સહયોગથી 1000 માસ્ક બનાવવામાં આવ્યા. કોઇ ચાર્જ લીધા વિના ગ્રામજનોને વિતરિત કરવામાં આવ્યાં હતાં. નખત્રાણામાં બસ સ્ટેશન પાસે વીરા મેન્સન દરજીકામની દુકાન ચલાવતા કિશોરભાઇ નારાણભાઇ દરજીએ છેલ્લા 3 દિવસથી માસ્ક બનાવી નિ:શુલ્ક વિતરણ કરવાનું કાર્ય શરૂ કર્યું છે. સેવાકાર્યકર્તાએ જણાવ્યું હતું કે મારી સાથે દુકાનમાં ટેઇલર કામ કરતા પ્રવીણભાઇ ગરવા પણ સેવાકાર્યમાં સહયોગ આપી રહ્યા છે. તેમણે 400 જેટલાં માસ્ક વિતરણ કર્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer