લોકડાઉન વચ્ચે કોરોના દર્દી 600ને પાર

નવી દિલ્હી, તા. 25 : એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશજોગાં સંબોધનમાં મધ્યરાત્રિથી દેશભરમાં લોકડાઉન જાહેર કર્યું છે ત્યારે આજે મધ્યપ્રદેશમાં કોરોનાથી પહેલું અને રાત્રે ગુજરાતમાં બીજું મોત નોંધાતાં  કોરોનાથી દેશમાં મૃત્યુઆંક 12 થયો હતો. કર્ણાટકમાં પણ એક બુઝુર્ગ મહિલાનું મોત થયું હતું. પરંતુ તેનો કોરોના ટેસ્ટ રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. જ્યારે આ વાયરસથી સંક્રમિત લોકોનો આંકડો 600ની પાર 606 થયો હતો. ગુજરાતમાં ત્રણ સહિત અનેક રાજ્યોમાં આજે નવા મામલા સામે આવ્યા હતા.દેશની રાજધાની નવી દિલ્હીમાં માત્ર 24 કલાકની અંદર જ કોરોના વાયરસના પાંચ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે આ નવા મામલા સામે આવ્યા બાદ દિલ્હીમાં હજુ સુધી આ ખતરનાક વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 35 થઈ ગઈ છે. કોરોનાના સામે આવેલા પાંચ નવા મામલા પૈકી એકે હાલમાં જ વિદેશયાત્રા કરી હોવાનું પણ ખુલ્યું છે. દરમ્યાન કોરોના સંક્રમણને કારણે મધ્યપ્રદેશમાં પહેલું મોત નોંધાયું હતું. ઉજ્જૈનની 65 વર્ષીય મહિલાએ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. તેને પહેલાં શ્વાસ લેવામાં તકલીફ હતી અને ત્રણ દિવસ પહેલાં ઈન્દોરની એમવાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રદેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 15 થઈ છે. કર્ણાટકમાં 51 મામલાઓની પુષ્ટિ થઈ છે અને રાજ્યમાં 24 કલાકની અંદર 10 નવા મામલા નોંધાયા છે. આ મામલા પૈકી ત્રણ લોકોની તબિયત સુધરતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દરમ્યાન, રાજ્યના ચિક્કાબલ્લાપુરમાં એક બુઝુર્ગ મહિલાનું મોત થયું હતું. તે થોડા દિવસ પહેલાં જ મક્કાથી પરત આવી હતી જોકે તેને કોરોના હતો કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી.કેરળમાં આજે નવ વધુ કોરોના પોઝિટિવ મામલા સામે આવ્યા હતા જેમાંથી ચાર દુબઈમાંથી, એક યુકે અને એક ફ્રાન્સથી પરત આવ્યા હતા. રાજ્યમાં કોરોના વાયરસ મામલાની કુલ સંખ્યા 118 થઈ હોવાનું મુખ્યમંત્રી પિનારાઈ વિજયને જણાવ્યું હતું. દરમ્યાન તામિલનાડુમાં કોવિડ-19 પોઝિટિવના પાંચ નવા મામલા સામે આવ્યા હોવાનું રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું મિઝોરમમાં એક પાદરીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તે નેધરલેન્ડ્સથી ભારત આવ્યા હતા. મિઝોરમનો આ પહેલો મામલો હોવાનું સ્વાસ્થ્યમંત્રી આર. લાલથંગલિયાએ કહ્યું હતું. દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં સાંગલીમાં એક જ પરિવારના પાંચનો ટેસ્ટ પોઝિટિવ આવતાં સંક્રમિત રોગીઓની સંખ્યા 116 થઈ હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer